કોઈ પણ જાતિ મંદિરની માલિકીનો દાવો કરી શકશે નહીં. ભારતના બંધારણમાં જાતિના આધારે મંદિરની માલિકી કે સત્તા મેળવવાનો ક્યાંય ઉલ્લેખ નથી. બંધારણમાં ઉલ્લેખનીય ધાર્મિક પ્રથાઓમાં પણ જાતિ આધારિત મંદિરની માલિકીનો ઉલ્લેખ નથી. મદ્રાસ હાઈકોર્ટે આ અંગે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.
મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ ભરત ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, ઘણાં સામાજિક જૂથો જાતિના આધારે પોતાની ઓળખ બનાવી ધાર્મિક પ્રથાઓનું સંચાલન કરવાનો દાવો અને હક મેળવતા હોય છે. પરંતુ બંધારણમાં દર્શાવેલી ધાર્મિક પ્રથાઓને જાતિ સાથે સરખાવવાનો ક્યાંય ઉલ્લેખ નથી.
હાઈકોર્ટે કહ્યું કે, જાતિગત ભેદભાવમાં વિશ્વાસ કરતાં લોકો ધાર્મિક સંપ્રદાયની આડમાં પોતાની ઘૃણા અને અસમાનતા છુપાવવાનો પ્રયાસ કરે છે. મંદિરોને તેઓ સામાજિક અશાંતિ પેદા કરતું સ્થળ તેમજ વિભાજનકારી પ્રવૃત્તિઓને વેગ આપતું સ્થળ માને છે. અનેક જાહેર મંદિરોને વિશેષ જાતિ સાથે જોડવામાં આવી રહ્યા છે. ભારતના બંધારણની કલમ 25 અને 26 આવશ્યક ધાર્મિક પ્રથાઓ અને ધાર્મિક સંપ્રદાયોના અધિકારોની રક્ષા કરે છે. તેમાં કોઈ જાતિ દ્વારા મંદિરની માલિકીનો ઉલ્લેખ કે દાવો કરવામાં આવ્યો નથી. જાતિગત ઓળખના આધારે મંદિરનું સંચાલન ધાર્મિક પ્રથા નથી. આ મામલો હવે એકીકૃત હોવો જોઈએ નહીં.
હાઈકોર્ટે આ ટિપ્પણી હિન્દુ રીલિજિયસ એન્ડ ચેરિટેબલ એન્ડોમેન્ટ ડિપાર્ટમેન્ટ (એચઆરએન્ડસીઈ ડિપાર્ટમેન્ટ)ની અરૂૂલમિઘુ પોંકલિમ્મન મંદિરનું સંચાલન અલગ કરવાની માગ કરતી અપીલ પર કરી હતી. હાઈકોર્ટે અરૂૂલમિઘુ મરિઅમ્મન, અંગલમ્મન, અને પેરૂૂમલ મંદિરનું સંચાલન જાતિના આધારે અલગ કરવાની અરજી ફગાવતા આ ટિપ્પણી કરી હતી.