ફોર્ચ્યુન ઈન્ડિયા દ્વારા શુક્રવારે ફોર સીઝન્સ હોટેલ, મુંબઈ ખાતે તેના મુખ્ય આયોજન ‘મોસ્ટ પાવરફુલ વિમેન’ (એમપીડબ્લ્યૂ) 2026ની યજમાની કરવામાં આવી હતી, જેમાં બિઝનેસ, ફાઇનાન્સ, ટેકનોલોજી, હેલ્થકેર, પબ્લિક પોલિસી અને ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રના ભારતના અગ્રણી મહિલા નેતાઓ એકત્ર થયા હતા.
આ સાંજ નેતૃત્વના ભવિષ્ય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આર્થિક સશક્તિકરણ, ઉદ્યોગસાહસિકતા, સમાવેશીતા અને રાષ્ટ્રનિર્માણ પર શ્રેણીબદ્ધ પ્રભાવશાળી ચર્ચાઓની સાક્ષી બની હતી.
આ કાર્યક્રમની મુખ્ય ક્ષણોમાં, રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને આ વર્ષની મોસ્ટ પાવરફૂલ વિમેનની યાદીમાં પ્રથમ ક્રમે રહેલા નીતા અંબાણીએ કરુણા, સમાવેશીતા અને તકો પર આધારિત નેતૃત્વની વધુ વ્યાપક વ્યાખ્યા આપવાનું આહ્વાન કર્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે દીકરીઓમાં રોકાણ કરવું એ ભારતના ભવિષ્ય માટે પાયાની જરુરિયાત છે.
વિવિધ સત્રો દરમિયાન બિઝનેસ લીડર્સે એ બાબત પર ભાર મૂક્યો હતો કે, ભલે એઆઇ, ભૌગોલિક-રાજકીય ઉથલપાથલ અને ઝડપી તકનીકી પરિવર્તનો ઉધોગોને બદલી રહ્યા છે, તેમ છતાં કાયમી નેતૃત્વનો આધાર હંમેશા જિજ્ઞાસા, સ્થિતિસ્થાપકતા, ગ્રાહક કેન્દ્રીત અભિગમ અને માનવીય નિર્ણય ક્ષમતા પર જ રહેશે.
નાણાકીય સમાવેશીતા પરની ચર્ચાઓમાં એ વાત રેખાંકિત કરવામાં આવી હતી કે મહિલા સશક્તિકરણનો આગામી તબક્કો માત્ર નાણાકીય સેવાઓ મેળવવા સુધી સીમિત નથી, પરંતુ સક્રિય સંપત્તિ, સર્જન અને નાણાકીય નિર્ણયો લેવામાં રહેલો છે.
આ કાર્યક્રમમાં સર્વસમાવેશી કાર્યસ્થળોનું નિર્માણ કરવા, લાંબા સમય સુધી ટકી રહે તેવી ક્ધઝયુમર બ્રાન્ડ્સ બનાવવા તેમજ વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં પોષણ અને આરોગ્ય સંભાળની ભૂમિકા પર પ્રભાવશાળી ચર્ચાઓ કરવામાં આવી હતી.
નેતૃત્વ માટે ભારતના સૌથી પ્રભાવશાળી મંચોમાંના એક તરીકે સતત વિકસી રહેલા ‘મોસ્ટ પાવરફુલ વિમેન’ પ્લેટફોર્મના આ 2026ના સંસ્કરણે વ્યાપાર અને સમાજમાં સાર્થક પ્રભાવ ઊભો કરનારી મહિલાઓનું સન્માન કરવા પ્રત્યેની ફોર્ચ્યુન ઈન્ડિયાની પ્રતિબદ્ધતાને ફરી એકવાર મજબૂત કરી છે.
