નિશાંતની રાજકારણમાં એન્ટ્રી: જેડીયુનો વંશવાદ ચાલે?

બિહારમાં આખરે ભાજપના સમ્રાટ ચૌધરી મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું અને તેમાં ઊડીને આંખે વળગે એવી વાત નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમારની કેબિનેટ મિનિસ્ટર તરીકે શપથવિધિ…

બિહારમાં આખરે ભાજપના સમ્રાટ ચૌધરી મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું અને તેમાં ઊડીને આંખે વળગે એવી વાત નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમારની કેબિનેટ મિનિસ્ટર તરીકે શપથવિધિ છે. સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી બન્યા તેના 22 દિવસ પછી થયેલા કેબિનેટના વિસ્તરણમાં નિશાંત કુમાર સહિત 32 મંત્રીઓએ શપથ લીધા તેમાં ભાજપના 15 જ્યારે જેડીયુના 13 મંત્રી છે.

આ સિવાય ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના 2, જીતનરામ માંઝીની હિંદુસ્તાન અવામ મોરચા (ઇંઅખ) અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચા (છકખ) ના એક-એક મંત્રી છે. નીતીશને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે માન-પાન આપ્યાં તેના પરથી પણ ભાજપ નીતીશ સાથે સારાસારી રાખવા માગે છે એ સ્પષ્ટ છે. કેબિનેટના વિસ્તરણમાં વડા પ્રધાન મોદી પોતે હાજર રહ્યા. વડા પ્રધાનનો મોભો જોતાં કેબિનેટ વિસ્તરણ જેવી સાવ નાની ઘટનામાં એ હાજર રહે એ શોભાસ્પદ ના કહેવાય છતાં મોદી હાજર રહ્યા કે જેથી આ સરકારને ભાજપ ગંભીરતાથી લે છે એવો મેસેજ જાય. રાજનાથ સિંહ, અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન પણ હાજર રહ્યા. નીતીશ કુમાર અત્યારે કોઈ હોદા પર નથી અને સામાન્ય સાંસદ છે છતાં તેમને સ્ટેજ પર હાજર રાખીને મહત્ત્વ અપાયું.

શપથવિધિના કાર્યક્રમ પછી મોદીએ નીતીશ કુમારને પોતાની પાસે બોલાવીને સ્ટેજ પર તેમની સાથે હાથ પણ મિલાવ્યા. ભાજપ નીતીશને સાચવી રહ્યો છે તેનાં કારણ સ્પષ્ટ છે. બિહારમાં અત્યારે સરકારને ટકાવવા માટે તો ભાજપને જેડીયુના ટેકાની જરૂૂર છે જ પણ ભવિષ્યની ચૂંટણીઓ માટે પણ નીતીશની જરૂૂર છે. એક સમયે સવર્ણોની પાર્ટી મનાતી ભાજપે ગિયર બદલીને હવે અન્ય પછાત વર્ગ (ઓબીસી) મતદારોને રીઝવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભાજપ એકમ સિસ્ટેમેટિકલી એ દિશામાં આગળ વધી રહ્યો છે પણ ઓબીસી મતબેંક સંપૂર્ણપણે ભાજપની તરફેણમાં નથી. બીજાં રાજ્યોમાં ઓબીસી મતદારોનો ઝુકાવ ભાજપ તરફ વધ્યો છે પણ બિહાર અને ઉત્તર પ્રદેશમાં હજુ ઓબીસી મતદારો સંપૂર્ણપણે ભાજપ ભણી ઢળ્યા નથી. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને બિહારમાં નીતીશ કુમારની જેડીયુ હજુય ઓબીસી મતદારોની ફેવરિટ છે.

ભાજપે નિશાંત કુમારને કેબિનેટ મંત્રી બનાવીને ફરી એક વાર તેના ચાવવાના અને બતાવવાના જુદા જુદા હોવાનું સાબિત કર્યું છે. ભાજપ વંશવાદનો વિરોધ કરે છે ને પ્રહારો કરે છે પણ આ વંશવાદ કોંગ્રેસ અને બીજા વિપક્ષોનો હોય તો જ તેને તકલીફ છે, પોતાનો કે પોતાના સાથી પક્ષોના નેતાઓનો હોય તો તેને વાંધો નથી. નિશાંત કુમારને રાજકારણ સાથે કંઈ લેવાદેવા નથી ને નીતીશના પુત્ર ના હોય તો તેનો કોઈ ભાવ પણ ના પૂછે. ભાજપ પોતે પણ ભાવ ના પૂછે પણ નીતીશનો દીકરો છે એટલે સીધો કેબિનેટ મંત્રી બની ગયો. ભાજપ પાસે નિશાંત કરતાં બહેતર સેંકડો નેતા હશે પણ ભાજપ તેમાંથી કોઈને તક આપે છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *