ભારતીય શિક્ષણ જગતના ઇતિહાસમાં એક નવું પ્રકરણ જોડાવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ને ’ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી’ (Deemed-to-be-University)નો દરજ્જો આપવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ પગલું માત્ર વહીવટી ફેરફાર નથી, પરંતુ દેશની સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાના સ્વરૂૂપ અને અધિકારક્ષેત્રને સંપૂર્ણપણે બદલી નાખનારો ક્રાંતિકારી નિર્ણય છે.
અત્યાર સુધી જેને આપણે માત્ર શાળાના પાઠ્યપુસ્તકોના પ્રકાશક અને અભ્યાસક્રમ નિર્માતા તરીકે જાણતા હતા, તે સંસ્થા હવે ટૂંક સમયમાં ડિગ્રીઓ એનાયત કરતી અને ઉચ્ચ સ્તરીય સંશોધન કરતી જોવા મળશે.
NCERT ને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપવાની ફાઈલ હવે તેના અંતિમ તબક્કે છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC ) પાસે તમામ જરૂૂરી દસ્તાવેજો અને ઔપચારિકતાઓ પહોંચી ગઈ છે. એવી અટકળો સેવાઈ રહી છે કે જાન્યુઆરી 2026 ના અંત સુધીમાં આ અંગે સત્તાવાર મહોર લાગી જશે.
UGC ની આગામી બેઠકમાં આ પ્રસ્તાવ પર ઊંડી ચર્ચા થશે. એકવાર ઞૠઈ ની ભલામણ મળી ગયા પછી, શિક્ષણ મંત્રાલય સત્તાવાર સૂચના બહાર પાડશે. આ વિકાસ દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ના લક્ષ્યોને પ્રાપ્ત કરવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે.
આ યોજનાનો પાયો સપ્ટેમ્બર 2023 માં નાખવામાં આવ્યો હતો, જ્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NCERT ના 63માં સ્થાપના દિવસના અવસરે તેને ડીમ્ડ યુનિવર્સિટી બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે NCERT પાસે પહેલેથી જ વિશ્વસ્તરીય નિપુણતા અને માળખાગત સુવિધાઓ છે. તેને માત્ર શાળા શિક્ષણ પૂરતું મર્યાદિત રાખવું એ તેની ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ ન કરવા સમાન છે. સરકારનો વિઝન છે કે NCERT ને એક ‘સંશોધન-કેન્દ્રિત સંસ્થા’ તરીકે વિકસાવવામાં આવે, જે માત્ર ભારત માટે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે શિક્ષણના ધોરણો નક્કી કરે.
