સંસદમાં સતત ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને હંગામાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ નહીં આપી શકે. લોકસભામાં કાર્યવાહી શરૂ થતાં જ હોબાળાને કારણે ગૃહને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું. બપોરે 12 વાગ્યે કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે, વિપક્ષી સભ્યો ફરીથી વેલમાં આવી ગયા. હોબાળા વચ્ચે, સ્પીકર ઓમ બિરલાએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો અને તે ધ્વનિ મતથી પસાર કરી દેવામાં આવ્યો.
લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયા અને માત્ર 65 સેકન્ડમાં જ સદનની કાર્યવાહીને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. રાહુલ ગાંધીના ભાષણનો મુદ્દો રાજ્યસભામાં પણ ઉઠ્યો, જ્યાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે હોબાળો થયો. લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ વડાપ્રધાન મોદીએ આપવાનો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બોલતા અટકાવવા સામે વિપક્ષના સાંસદોએ જોરદાર વિરોધ કર્યો. રાજ્યસભામાં ગૃહના નેતા જેપી નડ્ડા અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ઉગ્ર દલીલ થઈ. ત્યારે આ હોબાળા વચ્ચે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ વિના જ આભાર પસ્તાવ ધ્વનિમતથી પાસ થઈ ગયો.
સંસદીય ઇતિહાસમાં 2004 પછી આ પ્રથમ એવી ઘટના છે જ્યારે વડાપ્રધાનના ભાષણ વગર ધન્યવાદ પ્રસ્તાવ પસાર થયો હોય. અગાઉ 2004માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ પણ હંગામાને કારણે પોતાનું ભાષણ આપી શક્યા નહોતા. આ વખતે પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે સમગ્ર ચર્ચા દરમિયાન માત્ર ત્રણ સાંસદો જ પોતાની સ્પીચ પૂરી કરી શક્યા હતા.
