8 કોર્પોરેટરો ચૂંટાયા છતા કમિટીમાં સ્થાન ન મળતા લોકોમાં ભારે રોષ: સોશિયલ મીડિયામાં વિરોધના સૂર ઉઠ્યા
મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણી પૂર્ણ થયા બાદ મેયરના નામોની ચર્ચામાં સતવારા સમાજના અગ્રણીઓના નામો રેસમાં જોવા મળતા હતા જોકે આખરે મેયર અને ડેપ્યુટી મેયર ચુંટણી થઇ ચુકી છે જેમાં સતવારા સમાજને ક્યાય સ્થાન મળ્યું નથી એટલું જ નહિ સ્ટેન્ડિંગ કમિટીમાં 12 સભ્યોમાં પણ સતવારા સમાજનો છેદ ઉડાડી દેતા નારાજગી જોવા મળી રહી છે.
મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયરની સીટ ઓબીસી સમાજ માટે અનામત હોવાથી વાણંદ સમાજના યુવા ચહેરાને મેયરનો તાજ પહેરાવવામાં આવ્યો છે તેમજ ડેપ્યુટી મેયરમાં સોની સમાજને સ્થાન મળ્યું છે તેમજ સ્ટેન્ડિંગ કમિટીમાં પાટીદાર સમાજના અગ્રણીને ચેરમેન પદ આપવામાં આવ્યું છે તેમજ સ્ટેન્ડિંગ કમિટીના કુલ 12 સભ્યોમાં પાટીદાર સમાજનો દબદબો જોવા મળી રહ્યો છે પરંતુ સતવારા સમાજને ક્યાય સ્થાન મળ્યું નથી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા અને દંડક જેવા મહત્વપૂર્ણ પદોમાં ક્યાય સતવારા સમાજને પ્રતિનિધિત્વ મળ્યું નથી અને સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેનને બાદ કરતા 11 સભ્યોનો સમાવેશ કરી સકાય તેમ હતું પરંતુ તેમાં પણ પાટીદાર સમાજને મહત્વ આપી સતવારા સમાજની બાદબાકી કરવામાં આવી છે..
મોરબી મહાનગરપાલિકા માં સતવારા સમાજ ના ચૂંટાયેલા જાણીતા કોર્પોરેટરો સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મોરબી માં 42000 ની સતવારા સમાજ ની વસ્તી છે આ ચૂંટણી માં 8 કોર્પોરેટર સતવારા સમાજ ના ચૂંટાયા છે જેમાં કોઈ પણ ને હોદ્દા કે કમિટી માં સ્થાન ન આપતા સતવારા સમાજ અમારા પર આક્રોશ સાથે કહે છે કે ચૂંટાયેલા આપણા સમાજ ના કોર્પોરેટરો ને બંગડી પહેરી લો ને રાજીનામાં આપી દેવાની માંગ કરી રહ્યા છે સતવારા સમાજે વિકાસ ની અનેક આશા રાખી ને અમને ચૂંટી કોર્પોરેટર બનાવ્યા છે ને તેમાં અમોને ક્યાંય પણ સ્થાન ન આપતા સમાજ ના લોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં વિરોધની પોસ્ટ
સતવારા સમાજ માત્ર અંદરોઅંદર નારાજ હોય તેવું પણ નથી નારાજગી સોશ્યલ મીડિયામાં ખુલીને જોવા મળી રહી છે ફેસબુક, વોટ્સએપ સહિતના માધ્યમોમાં વિરોધના સુર ઉઠી રહ્યા છે અને સમાજને અન્યાય થયાનો ભાવ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
