નાગપુરમાં મહિલા અંડર-19ની ટી-20 ટ્રોફીમાં કર્ણાટક અને વિદર્ભ વચ્ચે ક્વાર્ટર ફાઇનલ મેચ દરમિયાન એક વિચિત્ર ઘટના બની હતી. એક વાંદરો અચાનક મેદાનમાં આવી ગયો અને ફિલ્ડિંગ કરી રહેલી ખેલાડી પર અચાનક હુમલો કર્યો હતો.
ઉમા કાશવી બાઉન્ડ્રી પાસે ફિલ્ડિંગ કરી રહી હતી ત્યારે અચાનક એક વાંદરો તેની તરફ દોડી આવ્યો હતો. 15 વર્ષની કાશવીએ પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણીએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને તે મેદાનમાં પડી ગઈ હતી. વાંદરો તેની પાસેથી પસાર થઈ ગયો અને તે તરત જ ઉભી થઈ ગઈ હતી.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ અસામાન્ય ઘટના છતાં ઉમા કાશવીએ ધ્યાન કેન્દ્રિત રાખ્યું અને બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણીએ ચાર ઓવરમાં માત્ર 18 રન આપીને ત્રણ મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. વિદર્ભ સામે કર્ણાટકના છ રનના રોમાંચક વિજયમાં તેના પ્રદર્શને મુખ્ય ભૂમિકા ભજવી હતી.
