ચાલુ વર્ષે 3 કરોડ 53 લાખ લોકોએ નોંધણી કરાવી હતી
પીએમ મોદીના નેૃતત્ત્વમાં શરૂૂ થયેલો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમે પોતાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ એક માત્ર કાર્યક્રમ જ નહી પરંતુ રાષ્ટ્રવ્યાપી ચળવળ છે. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ 2018 માં શરૂૂ થયો હતો. ત્યારથી આ કાર્યક્રમ સતત આયોજિત થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં, પીએમ મોદી દેશના વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા અને શિક્ષકો સાથે સીધો સંવાદ સાધે છે.
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલ પરીક્ષા પે ચર્ચા 2025 કાર્યક્રમને મોટી સફળતા મળી છે. આ કાર્યક્રમનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. આ રેકોર્ડ એક મહિનામાં સિવિલ પ્લેટફોર્મ પર સૌથી વધુ નોંધણીનો છે.
દિલ્હીમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા આયોજિત એક ખાસ કાર્યક્રમમાં આ રેકોર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યમંત્રી જિતિન પ્રસાદ અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. એક મહિનામાં 3 કરોડ 53 લાખ લોકોએ પરીક્ષા પે ચર્ચા 2025 માટે નોંધણી કરાવી હતી. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ અંગે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે આ ઉપરાંત, દેશભરમાં 21 કરોડથી વધુ લોકોએ ટીવી, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર પરીક્ષા પે ચર્ચા 2025નો કાર્યક્રમ જોયો હતો. તેઓએ કહ્યું હતુ કે પરીક્ષા પે ચર્ચા હવે માત્ર એક કાર્યક્રમ નથી રહ્યો પરંતુ તે એક રાષ્ટ્રવ્યાપી અભિયાન બની ગયું છે.
