બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત ભલે ન થઈ હોય, પરંતુ રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રા પૂર્ણ થયાના બે દિવસ પછી જ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીને મહિલા ઓળખનો મુદ્દો બનાવીને ચૂંટણીનો એજન્ડા નક્કી કર્યો છે. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહાર ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરશે અને સીટ શેરિંગ ફોર્મ્યુલા શોધવા પર વિચાર-વિમર્શ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે બપોરે બિહાર ચૂંટણી અંગે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી.
બિહાર ભાજપના ઘણા મોટા નેતાઓને આ બેઠક માટે બોલાવવામાં આવ્યા છે, જેમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ, બંને નાયબ મુખ્યમંત્રી અને નીતિશ સરકારમાં કેન્દ્રીય મંત્રીઓ શામેલ થયા હતા. ચિરાગ પાસવાનના પક્ષે વધુ બેઠકો માગી હોય સીટ-શેરીંગના ડખ્ખા ઉકેલવા પ્રયાસ થશે. દિલ્હીમાં યોજાનારી આ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલ, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અને નિત્યાનંદ રાય જેવા નેતાઓ ભાગ લઈ રહ્યા છે. બિહારના પ્રભારી વિનોદ તાવડે અને સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાનિયાએ પણ આ બેઠકમાં હાજરી આપી હતી. આમ, ભાજપ હવે બિહાર ચૂંટણી પર પોતાની રાજકીય તાકાત લગાવવાની તૈયારી કરી રહ્યું છે.
