Site icon Gujarat Mirror

સાયલામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, 17 ડમ્પર અને બે લોડર મશીન કબ્જે

સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. સાયલા તાલુકાના મોટા કેરાળા ગામની સીમમાં ધમધમતી ગેરકાયદે પથ્થરની ખાણ પર ખાણ-ખનીજ વિભાગે ઓચિંતી રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં તંત્ર દ્વારા કરોડો રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગને બાતમી મળી હતી કે, સાયલાના મોટા કેરાળા વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે. મળેલી બાતમીના આધારે અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન સ્થળ પરથી 17 ડમ્પરો અને 2 લોડર/એક્સવેટર મશીનો મળી આવ્યા હતા. ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ દ્વારા આ તમામ વાહનો અને મશીનરી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં આ ખનીજ ચોરીનો આંકડો કરોડોમાં હોવાની આશંકા સેવાઈ રહી છે. લાંબા સમયથી અહીં પથ્થરોનું ગેરકાયદે ઉત્ખનન કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવતું હતું. તંત્રની આ આકરી કાર્યવાહીથી ખનીજ માફિયાઓના આર્થિક સામ્રાજ્ય પર મોટો પ્રહાર થયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂસ્તરશાસ્ત્રી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી આ અત્યાર સુધીની મોટી કાર્યવાહી માનવામાં આવે છે. આ રેડ દરમિયાન ઝડપાયેલા વાહનોને સુરક્ષિત સ્થળે ખસેડી, ખાણ માલિકો અને આ રેકેટમાં સામેલ શખ્સો વિરૂૂદ્ધ દંડકીય અને કાયદાકીય પગલાં ભરવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.

Exit mobile version