ત્રીજાની હાલત ગંભીર, ચોથો મિત્ર બૂમો પાડતો રહ્યો છતા રીલ્સ બનાવવાની ઘેલછામાં મોત નોતર્યુ
રાજકોટના માલધારી ફાટક પાસે આંખ ઉઘાડનારી ઘટના, ચાર પરપ્રાંતિયોને મજાક ભારે પડી
દેશભરમાં અત્યાર સુધીમાં સેલ્ફી લેવાના અને રિલ્સ બનાવવાના ચક્કરમાં અનેક લોકો જીવ ગુમાવી ચુક્યા છે આમ છતાં આ પ્રકારની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી ત્યારે,રાજકોટમાં વંદે ભારત ટ્રેન સાથે સેલ્ફી લેવાની ઘેલછામાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા હતા જયારે ત્રીજાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના સિધ્ધીના નાલા તરીકે ઓળખાતા વિસ્તારમાં ગઈકાલે સાંજે આ કરૂૂણ ઘટના બની હતી. બંને મૃતક અને ઘાયલ યુવાન ઉત્તરપ્રદેશના વતની છે. રાજકોના ગોંડલ ચોકડી પાસે આવેલા માલધારી ફાટક નજીક વંદે ભારત ટ્રેન આવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, પૂરપાટ ઝડપે સોમનાથથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત ટ્રેનની અડફેટે ત્રણ યુવકો આવી જતાં બેના કરુણ મોત નિપજ્યાં છે. જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
રાજકોટના નીલકંઠ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રહેતા મૂળ ઉતરપ્રદેશના ચાર મિત્રો માંથી સંદીપ સુરેશ કોરી (ઉ.વ.18)ને વતનમાં જવાનું હતું. જેથી બાકીના ત્રણ મિત્રો સંદીપ વિદ્યારામ પટેલ (ઉ.વ.20), કપીલ પટેલ (ઉ.વ.ર0) અને કુલદિપ ઉર્ફે સંદીપ મહેશ્વરપ્રસાદ કોરી (ઉ.વ.આ.20) તેને ગોંડલ ચોકડીએ બસમાં મુકવા પગપાળા રવાના થયા હતા. રિધ્ધી-સિધ્ધીના નાલા પાસેથી ચારેય મિત્રો પસાર થતા હતા ત્યારે સામેથી વંદે ભારત ટ્રેનને આવતી જોઈ સેલ્ફી લેવાની લાલચ રોકી શક્યા ન હતા. ચારમાંથી ત્રણ મિત્રો સંદીપ કોરી, સંદીપ પટેલ અને કપીલ પટેલ રેલ્વે ટ્રેક પાસે મોબાઈલમાં સેલ્ફી લેવા માટે ઉભા રહી ગયા હતા. જયારે પાછળથી પુરપાટવેગે વંદે ભારત ટ્રેનને આવતી જોઈ ચોથા મિત્ર કુલદિપ કોરીએ બૂમો પાડી ત્રણેય મિત્રોને દૂર ખસી જવા કહ્યું હતું. પરંતુ માન્યા ન હતા. ત્રણેય મિત્રોને સેલ્ફી લઈ પોતે સમયસર રેલ્વે ટ્રેક પાસેથી ખસી જશે તેવો આત્મવિશ્વાસ હતો. પરંતુ કમનસીબે તેમ થયું ન હતું. ત્રણેયને ટ્રેનની ઠોકર લાગતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી સંદીપ કોરી અને સંદીપ પટેલના સ્થળ પર જ મોત નિપજયા હતા. જયારે કપીલ પટેલ ગંભીર રીતે ઘાયલ થતાં સિવીલમાં ખસેડાયો હતો.
બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળ પરથી પોલીસને એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે. જેમાં અકસ્માત પહેલા રેલવે ટ્રેક પર સેલ્ફી લેતા હોવાના ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ચારેય યુવાનો માલધારી ફાટક નજીક આવેલા એક કારખાનામાં મજૂરી કામ કરતા હતા અને તેઓ પરપ્રાંતીય હતા. અકસ્માત સર્જાયો ત્યારે વંદે ભારત ટ્રેનની સ્પીડ 125 થી 130 કિમી પ્રતિ કલાક હતી. રેલ્વેના સૂત્રોએ જણાવ્યું કે જો પાયલોટના ધ્યાન ઉપર ત્રણેય યુવાનો રેલ્વે ટ્રેક પાસે ઉભા હોવાનું ધ્યાર્ને આવત તો પણ ટ્રેનની સ્પીડને કારણે તેને તત્કાળ બ્રેક મારી શકાય તેમ ન હતી.
જો આટલી સ્પીડમાં ઈમરજન્સી બ્રેક મારવામાં આવે તો ટ્રેન ઉથલી પડે એવી સંભાવના હતી. વળી ઘટનાસ્થળ નજીક કોઈ રેલ્વે સ્ટેશન પણ ન હતું. જેને કારણે રેલ્વેનો કોઈ સ્ટાફ પણ આસપાસ હાજર ના હતો કે જે યુવાનોને ત્યાંથી દૂર ખસેડે. અકસ્માતને કારણે સ્થળ પર 26 મિનિટ સુધી ટ્રેન થોભાવી પડી હતી. તેમજ રાજકોટ રેલ્વે સ્ટેશન ઉપર 15 મિનિટ ટ્રેન થોભાવી કોઈ ટ્રેનમાં કોઈ ખામી તો નથી ને તે ચકાસણી કર્યા બાદ સાંજે 5:40 કલાકે ટ્રેનને આગળ વધવા લીલીઝંડી આપી દેવામાં આવી હતી.
વતનમાં જતા સંદીપ કોળીની સફર આખરી સફર બની ગઈ
મીડિયા સાથેની વાતચીતમાં પ્રત્યક્ષદર્શી કુલદીપ પટેલે જણાવ્યું હતું કે, હું આજે રાજકોટ કામ માટે ટ્રેન મારફતે આવ્યો હતો. સાંજે સંદીપ કોરીને વતન જવાનું હોય તે બસ મારફતે વતન પરત જવાનો હતો. મૂળ ઉતરપ્રદેશના ચાર મિત્રો માંથી સંદીપ સુરેશ કોરી (ઉ.વ.18)ને વતનમાં જવાનું હતું. જેથી બાકીના ત્રણ મિત્રો સંદીપ વિદ્યારામ પટેલ (ઉ.વ.20), કપીલ પટેલ (ઉ.વ.ર0) અને કુલદિપ ઉર્ફે સંદીપ મહેશ્વરપ્રસાદ કોરી (ઉ.વ.આ.20) ચાર વાગ્યાની આસપાસ અમે રૂૂમમાંથી નીકળીને તેને ગોંડલ ચોકડીએ બસમાં મુકવા પગપાળા રવાના થયા હતા. રિધ્ધી-સિધ્ધીના નાલા પાસેથી ચારેય મિત્રો પસાર થતા હતા ત્યારે સામેથી વંદે ભારત ટ્રેનને આવતી જોઈ સંદીપ કોરી,સંદીપ વિદ્યારામ પટેલ અને કપીલ પટેલ ટ્રેન સાથે સેલ્ફીમાં રીલ્સ લેવાની લાલચ રોકી શક્યા ન હતા રેલવે ટ્રેક પાસે રીલ્સ બનાવી રહ્યા હતા, ત્યારે અચાનક ટ્રેન આવી ગઈ અને અકસ્માત સર્જાયો.”

