પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે: MP હાઈકોર્ટ

મધ્યપ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કર્યું છે કે, જો કોઈ મહિલા પુખ્ત વયની છે, તો ભલે તે પરિણીત જ કેમ ન હોય,…

મધ્યપ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કર્યું છે કે, જો કોઈ મહિલા પુખ્ત વયની છે, તો ભલે તે પરિણીત જ કેમ ન હોય, પોતાની ઈચ્છા અનુસાર કોઈપણ વ્યક્તિ સાથે રહેવા માટે સ્વતંત્ર છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, વ્યક્તિગત સ્વતંત્રતા અને પોતાનું જીવન પસંદ કરવાનો અધિકાર બંધારણ દ્વારા ગેરંટીકૃત મૂળભૂત અધિકારો છે, જેને કૌટુંબિક દબાણના આધારે છીનવી શકાય નહીં.

આ ટિપ્પણી મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચમાં એક હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી દરમિયાન કરવામાં આવી છે. અરજદાર સવાઈ માધોપુરના રહેવાસી ધીરજ નાયકે તેમના વકીલ જિતેન્દ્ર વર્માના માધ્યમથી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, સંધ્યા નામની એક મહિલા તેની સાથે રહેવા માંગે છે, પરંતુ તેના માતા-પિતા તેને બળજબરીથી પોતાની સાથે રાખી રહ્યા છે અને તેની સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકી રહ્યા છે.

શુક્રવારે સુનાવણી દરમિયાન પોલીસ સુરક્ષા વચ્ચે મહિલાને હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી. કોર્ટમાં આપેલા પોતાના નિવેદનમાં મહિલાએ સ્પષ્ટપણે જણાવ્યું કે, તે પુખ્ત વયની છે અને પોતાની ઇચ્છાથી અરજદાર ધીરજ નાયક સાથે રહેવા માંગે છે. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો કે, તેના માતાપિતા તેણીની ઇચ્છા વિરુદ્ધ તેણીને તેમના ઘરમાં રાખી રહ્યા છે અને તેના પર દબાણ કરી રહ્યા છે.

જ્યારે મહિલાના માતા-પિતા તરફથી દલીલ કરવામાં આવી કે, તે પહેલાથી જ પરિણીત છે અને આવી સ્થિતિમાં તેને તેના પતિ સાથે જ રહેવું જોઈએ. તેમણે કહ્યું કે, પરિવાર અને સમાજની ગરિમાને ધ્યાનમાં રાખીને મહિલાનો નિર્ણય વાજબી નથી. કોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કહ્યું કે, કાયદાની નજરમાં સૌથી મહત્વપૂર્ણ તથ્ય એ છે કે મહિલા પુખ્ત વયની છે અને પોતાના નિર્ણયો લેવા સક્ષમ છે.

કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, પરિણીત હોવું કોઈ મહિલાની વ્યક્તિગત સ્વતંત્રતાને સમાપ્ત નથી કરતું. જો તે પોતાની સ્વતંત્ર ઇચ્છાથી કોઈ અન્ય વ્યક્તિ સાથે રહેવા માંગે છે, તો તેને રોકી શકાતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *