ટીએમસી બચાવવા મમતાના મરણિયા પ્રયાસો, બે નવા રાષ્ટ્રીય મહાસચિવોની કરી નિમણૂક

પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ચાલી રહેલા આંતરિક વિદ્રોહ અને અસંતોષને ડામવા માટે પક્ષના સુપ્રીમો મમતા બેનર્જીએ સંગઠનમાં 360 ડિગ્રી ધરખમ ફેરફારોની…

પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ચાલી રહેલા આંતરિક વિદ્રોહ અને અસંતોષને ડામવા માટે પક્ષના સુપ્રીમો મમતા બેનર્જીએ સંગઠનમાં 360 ડિગ્રી ધરખમ ફેરફારોની જાહેરાત કરી છે. પક્ષમાં ચાલી રહેલી બગાવત વચ્ચે મમતાએ પોતાના ભત્રીજા અભિષેક બેનર્જીની સત્તામાં કાપ મૂકીને બે નવા રાષ્ટ્રીય મહાસચિવોની નિમણૂક કરવાનો સૌથી મોટો આંચકાજનક નિર્ણય લીધો છે.

અત્યાર સુધી તૃણમૂલ કોંગ્રેસમાં નંબર 2 અને અઘોષિત બોસ ગણાતા રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીના અધિકારો પર મમતા બેનર્જીએ કાતર ફેરવી દીધી છે. પક્ષના વરિષ્ઠ નેતાઓમાં અભિષેકની કાર્યશૈલી સામે ભારે આક્રોશ હતો. આ અસંતોષને શાંત કરવા માટે ઓબ્રાયન અને ડોલા સેનને પણ પક્ષના નવા રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા છે. હવે આ બંને નેતાઓ સંગઠનના કામકાજમાં અભિષેક બેનર્જીની સાથે રહીને કામ કરશે, જેથી પક્ષના નિર્ણયો પર કોઈ એક વ્યક્તિનો એકાધિકાર ન રહે.

આ કટોકટીની ઘડીમાં મમતા બેનર્જીએ પોતાના જુના અને અત્યંત વફાદાર સાથીઓ પર ભરોસો મૂક્યો છે. ચંદ્રિમા ભટ્ટાચાર્યને પશ્ચિમ બંગાળ ટીએમસીના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જે સંગઠનાત્મક ફેરફારનો મોટો સંકેત છે. આ ઉપરાંત સુબ્રત બક્ષી રાષ્ટ્રીય કાર્યસમિતિમાં ઉપાધ્યક્ષ પદે યથાવત રહેશે. મહિલા નેતૃત્વને મજબૂત કરવા માટે સજદા અહેમદ, મમતા ઠાકુર, નયના બંદોપાધ્યાય અને સ્વાતિ ખાંડેકરને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે સાંસદ સયાની ઘોષ યુવા વિંગના અધ્યક્ષ પદે યથાવત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *