થલતેજમાં કોર્પોરેટ હાઉસમાં ભીષણ આગ: જીવ બચાવવા કૂદેલા રાજકોટના યુવકનું મોત

  અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ કોર્પોરેટ હાઉસમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. સોમવારે રાત્રે બીજા માળે અચાનક આગ ફાટી નીકળતાં કર્મચારીઓમાં અફરાતફરી મચી…

 

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ કોર્પોરેટ હાઉસમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. સોમવારે રાત્રે બીજા માળે અચાનક આગ ફાટી નીકળતાં કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આગના કારણે સમગ્ર ફ્લોર પર ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. જીવ બચાવવા માટે બે કર્મચારીઓએ બારીમાંથી નીચે છલાંગ લગાવી હતી. જેમાં મૂળ રાજકોટના એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટના સમયે કોર્પોરેટ હાઉસમાં કર્મચારીઓ રાબેતા મુજબ કામ કરી રહ્યા હતા. આ દરમિયાન બીજા માળે અચાનક આગ લાગતાં જોતજોતામાં ધુમાડો સમગ્ર ફ્લોરમાં ફેલાઈ ગયો હતો. બહાર નીકળવાનો રસ્તો મુશ્કેલ બનતાં કેટલાક કર્મચારીઓ અંદર જ ફસાઈ ગયા હતા. ગભરાટમાં બે કર્મચારીઓએ બારીમાંથી નીચે કૂદકો માર્યો હતો. જેમાં રાજકોટના યુવકનું મોત થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ફાયર ફાઈટરો અને રેસ્ક્યૂ વાન સાથે સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ આગ પર કાબૂ મેળવવાની સાથે રેસ્ક્યૂ કામગીરી પણ શરૂ કરી હતી. બીજા માળે ફસાયેલા ત્રણ લોકોને સીડીની મદદથી સહીસલામત નીચે ઉતારી લેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ધુમાડાના કારણે ગૂંગળામણ અને સામાન્ય ઈજાઓનો ભોગ બનેલા અન્ય પાંચ લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સારવાર બાદ તેમને રજા આપવામાં આવી છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જોકે, પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.