અમરેલીમાં ડબલ મર્ડર: ખેતરમાં કાર સાથે બે મજૂરોને જીવતા સળગાવ્યા, અજાણ્યા શખ્સોની શોધખોળ

  અમરેલી જિલ્લાના લીલિયામાં ડબલ મર્ડરની ઘટના બની છે. લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં બે મજૂરોની હત્યા કરાઈ છે. વાડીમાં પાર્ક કરેલી તૂફાન પેસેન્જર ગાડીમાં…

 

અમરેલી જિલ્લાના લીલિયામાં ડબલ મર્ડરની ઘટના બની છે. લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં બે મજૂરોની હત્યા કરાઈ છે. વાડીમાં પાર્ક કરેલી તૂફાન પેસેન્જર ગાડીમાં આગ લગાવી દેવામાં આવતાં ગાડીમાં સૂતેલા બે મજૂરોના કરુણ મોત નીપજ્યા હતા. બંનેના મૃતદેહ અડધા સળગેલી હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાથમિક વિગતો મુજબ, ગુંદરણ ગામની સીમમાં સુરેશ બચુભાઈ શિંગાળાની વાડીમાં તૂફાન ગાડી પાર્ક કરવામાં આવી હતી. આ ગાડીમાં મધ્યપ્રદેશના વતની બે મજૂરો ઊંઘી રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ ગાડીમાં આગ ચાંપી દીધી હોવાની વિગતો સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે બંને મજૂરોને બહાર નીકળવાની તક મળી ન હતી અને તેઓ આગની લપેટમાં આવી જતાં મોતને ભેટ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ લીલીયા પોલીસ અને FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. તપાસ દરમિયાન બંને મૃતકોની ઓળખ રવિ કમલેશભાઈ બધેલ, ઉંમર 16 વર્ષ અને નીતિન રામસિંગ પચાયા, ઉંમર 21 વર્ષ તરીકે થઈ છે.

બીજી તરફ, આ ઘટનાને ગંભીરતાથી લઈને DYSP વિસ્મય માનસેતાના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસે કેટલાક શંકાસ્પદ ઈસમોને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરી છે. હાલ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે અને આ નિર્મમ કૃત્ય પાછળ કોણ જવાબદાર છે તથા હત્યા પાછળનું કારણ શું છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.