મહારાષ્ટ્રમાં ‘એનાલોગ પનીર’ અથવા નોન-ડેરી પનીર પર એક વર્ષ માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અન્ન સુરક્ષા અને માનક અધિનિયમ હેઠળ અન્ન અને ઔષધ વહીવટીતંત્ર (એફડીએ)ના કમિશનર તુકારામ મુંઢેએ આ અંગેનો આદેશ જારી કર્યો છે. આ નિર્ણયથી બજારમાં વેચાતા બધા પ્રકારના પનીર પર બંધી આવી નથી. નિયમાનુસાર પ્રમાણિત અને અસલ પનીરની વેચાણ પર કોઈ પ્રતિબંધ નથી.
એનાલોગ અથવા નોન-ડેરી પનીર એવા ઉત્પાદનોને કહેવામાં આવે છે, જે દેખાવમાં પનીર જેવા લાગે છે, પરંતુ તેમાં દૂધના સ્નિગ્ધાંશ અથવા દૂધના ઘન ભાગને સંપૂર્ણપણે અથવા આંશિક રીતે વનસ્પતિ તેલ, વનસ્પતિ સ્નિગ્ધાંશ કે અન્ય દૂધેતર ઘટકોથી બદલી નાખવામાં આવ્યા હોય છે. આવા ઉત્પાદનને ‘પનીર’ તરીકે વેચવા કે ગ્રાહકોને પીરસવા પર આ આદેશથી મનાઈ ફરમાવવામાં આવી છે.
એફડીએના આદેશ મુજબ પનીર એ એક પ્રમાણિત અન્નપદાર્થ છે. પનીરમાં દૂધનો સ્નિગ્ધાંશ જરૂૂરી ઘટક છે. તેની જગ્યાએ વનસ્પતિ તેલ કે અન્ય દૂધેતર સ્નિગ્ધાંશ વાપરવાની છૂટ નથી. આવી રીતે દૂધના ઘટકો બદલેલા ઉત્પાદનને કાયદાની દૃષ્ટિએ ‘દૂધ સંદર્ભિત એનાલોગ’ ગણવામાં આવે છે અને તેને ‘પનીર’ તરીકે વેચી કે સર્વ કરી શકાય નહીં.
આ નિર્ણયનો સધો અસર હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ, ભોજનાલય, ક્લાઉડ કિચન અને અન્ય અન્નસેવા સંસ્થાઓ પર પડશે. કોઈપણ ખાદ્યપદાર્થમાં એનાલોગ-નોન-ડેરી પનીરનો ઉપયોગ, સંગ્રહ, વેચાણ કે ગ્રાહકોને સર્વ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પનીરનું ઉત્પાદન, પેકિંગ, સંગ્રહ, વિતરણ કે વેચાણ કરતા અન્ન વ્યવસાયીઓએ દરેક પેકેજ પર અન્ન સુરક્ષા અને માનક વિનિયમ, 2020 મુજબ જરૂૂરી જાહેરાત કરવી ફરજિયાત છે. નિયમોનું ઉલ્લંઘન થાય તો સંબંધિત ઉત્પાદન સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ આદેશથી ગ્રાહકોને અસલ દૂધમાંથી બનેલા પનીર મળે તે સુનિશ્ચિત કરવાનો હેતુ છે.
