પંજાબના ફગવાડા સ્થિત લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU)માં છેલ્લા કેટલાક દિવસોથી ભારે તણાવનું વાતાવરણ છે. કેમ્પસમાં એક વિદ્યાર્થિની પર કથિત બળાત્કાર અને ત્યારબાદ તેણે આત્મહત્યા કરી હોવાની અફવાઓ સોશિયલ મીડિયા પર ફેલાતા વિદ્યાર્થીઓએ ભારે વિરોધ પ્રદર્શન શરૂૂ કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન રવિવારે રાત્રે હિંસક બની ગયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ કેમ્પસમાં તોડફોડ કરી, વાહનો સળગાવ્યા અને જલંધર-ફગવાડા હાઇવે જામ કરી દીધો હતો.
વિદ્યાર્થીઓનો આક્રોશ એટલો વધી ગયો હતો કે તેમણે કોમ્પ્યુટર સાયન્સ બિલ્ડિંગ અને એડમિશન બ્લોકને પણ નિશાન બનાવ્યા હતા. હિંસા વકરતા પોલીસને હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. પોલીસ અને યુનિવર્સિટી પ્રશાસને વારંવાર સ્પષ્ટતા કરી છે કે બળાત્કાર કે આત્મહત્યાની કોઈ જ ઘટના બની નથી અને આ માત્ર અફવાઓ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 11 ઓગસ્ટના રોજ એક યુવતીએ કેમ્પસ પાસે આત્મહત્યા કરી હતી, જેનો જૂનો વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે અને તેને તાજેતરની ઘટના સાથે જોડીને ગેરસમજ ઊભી કરવામાં આવી રહી છે.
યુનિવર્સિટીએ પણ આ આક્ષેપોને “ખોટા અને પાયાવિહોણા” ગણાવ્યા છે અને કહ્યું છે કે કેટલાક અસામાજિક તત્વો કેમ્પસની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરિસ્થિતિને થાળે પાડવા માટે યુનિવર્સિટીએ 28 સપ્ટેમ્બરથી 10 દિવસ માટે ક્લાસ સસ્પેન્ડ કર્યા છે અને મિડ-ટર્મ પરીક્ષાઓ મોકૂફ રાખી છે, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ પોતાના વતન પરત ફરી રહ્યા છે.
આ હિંસક પ્રદર્શનો બાદ પંજાબ પોલીસે કડક કાર્યવાહી શરૂૂ કરી છે. કેમ્પસમાં 2000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને પરિસ્થિતિ હાલ કાબૂમાં છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના આદેશ બાદ ડીજીપી ગૌરવ યાદવે યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. ડીજીપીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓને કારણે આ ઘટના બની હતી અને તોડફોડ કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
બીજી તરફ, આ હિંસક ઘટનાઓને કારણે વિદ્યાર્થીઓમાં ભારે ડરનો માહોલ છે. 10 દિવસની રજા જાહેર થતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેમ્પસ છોડી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓનું કહેવું છે કે રવિવાર રાતની ઘટનાઓ ભયાનક હતી અને તેઓ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે.
કેટલાક વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે બહારથી આવેલા કેટલાક શખ્સોએ કેમ્પસમાં હથિયારો સાથે પ્રવેશ કર્યો હતો અને તોડફોડ કરી હતી. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા બહાર પાડવામાં આવેલો એક વિડીયો પણ વિવાદમાં આવ્યો છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે તેમને સ્ક્રિપ્ટ આપીને બોલવા મજબૂર કરવામાં આવ્યા હતા અને તેમનો વિડીયો તેમની મંજૂરી વિના મુકવામાં આવ્યો હતો. જોકે, પોલીસે વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું છે કે તેમની સુરક્ષાની સંપૂર્ણ ખાતરી રાખવામાં આવશે અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે.
