પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદ: ભ્રષ્ટાચાર, સેકસ-લીલામાં રાચતા નેતાઓને મોટો બોધપાઠ

અંતે જેડીએસના ભૂતપૂર્વ સાંસદ અને ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડાના પૌત્ર પ્રજવલ રેવન્નાને 47 વર્ષની નોકરાણી પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા થઈ ગઈ. રેવન્ના…

અંતે જેડીએસના ભૂતપૂર્વ સાંસદ અને ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડાના પૌત્ર પ્રજવલ રેવન્નાને 47 વર્ષની નોકરાણી પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા થઈ ગઈ. રેવન્ના સામે નોકરાણી પર બળાત્કાર અને ગુનાહિત ધાકધમકી તથા તેની દીકરીની અશ્ર્લીલ તસવીરો લીક કરવા સહિત અનેક કલમો હેઠળ આરોપો મુકાયેલા, આ તમામ કેસમાં પ્રજવલ દોષિત કર્યો છે. પ્રજ્વલ રેવન્ના ધનિક પરિવારનો નબીરો છે અને રાજકીય રીતે પણ વગદાર છે. પ્રજવલના દાદા ભૂતપૂર્વ વડા પ્રધાન હતા ને કાકા કુમારસ્વામી અત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી છે. કર્ણાટકના રાજકારણમાં વરસોથી દેવગૌડા પરિવારનું વર્ચસ્વ છે.

ભારતમાં સમરથ કો નહીં દોષ ગુંસાઈનો ખેલ ચાલે છે. જેની પાસે પૈસા છે, પાવર છે એ ગમે તેવો મોટો અપરાધ કરીને પણ છટકી જાય છે તેથી પ્રજ્વલ જેલમાં ધકેલાયો ત્યારથી તેને સજા થશે કે કેમ એ વિશે શંકા હતી પણ બેંગલૂરુની સ્પેશિયલ કોર્ટે પ્રજવલ રેવન્નાને બળાત્કાર બદલ આજીવન કેદની સજા ફટકારીને ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ જાળવી લીધો.પ્રજ્વલ પાસે હજુ પોતાની સજા સામે હાઈ કોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ છે.

ભારતમાં હાઈ કોર્ટો અને સુપ્રીમ કોર્ટ પણ ભ્રષ્ટાચારથી અલિપ્ત નથી તેથી રેવન્નાને તેનાં કર્મોની સજા મળી છે એવું કહેવું થોડુંક વહેલું છે. ભારતમાં નીચલી અદાલતો ન્યાય કરે પણ હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પૈસા વેરીને આરોપી છૂટી જાય એવું સંખ્યાબંધ કેસોમાં બને છે. પ્રજવલના કિસ્સામાં શિકારી ખુદ યહાં શિકાર હો ગયા જેવો ઘાટ છે ને શિકારીનો શિકાર પણ તેની બંદૂકથી થઈ ગયો. પ્રજ્વલે હવસલીલા ચાલુ રહે એ માટે કામલીલાનું વીડિયો રેકોર્ડિંગ કરેલું એ જ તેની સામેનો મોટો પુરાવો બની ગયો ને પ્રજવલ ફિટ થઈ ગયો. પ્રજ્વલ રેવન્ના સામે 50થી વધુ મહિલાઓને હવસનો શિકાર બનાવીને જાતીય શોષણ કરવાનો આરોપ છે.

અત્યાર સુધીમાં પ્રજવલ સામે બળાત્કાર, છેડતી, બ્લેકમેઇલિંગ અને ધમકી આપવાના આરોપમાં 4 જ એફઆઈઆર નોંધાઈ છે પણ તેની હવસલીલાનો ભોગ બનેલી યુવતીઓની સંખ્યા અનેક ગણી વધારે છે. પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજવલનું કામ લોકોનાં કામ કરીને તેમનું કલ્યાણ કરવાનું હતું. તેના બદલે આ માણસ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કરતો હતો. પ્રજ્વલે સેંકડો મહિલાઓની જિંદગી તો બરબાદ કરી જ પણ તેમને ખોટું કરવા મજબૂર પણ કરી એ જોતાં આ માણસ માફીને લાયક જ નથી અને બાકીની જિંદગી જેલમાં જ સબડવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *