એમાં કોઈ નવાઈ નથી, ઘણા લોકોને હું પ્રેમ કરું છું : નફફટ ગણેશકુમારની સ્પષ્ટતા
કેરળમાં રાજકારણ ગરમાયુ છે. કેરળના પરિવહન મંત્રી કે.બી. ગણેશકુમારની પત્ની બિંદુ મેનનનો આરોપ છે કે, તેમણે પોતાના પતિને એક અજાણી મહિલા સાથે અશ્ર્લીલ સ્થિતિમાં જોયા હતા. બિંદુએ મીડિયા રિપોર્ટર સાથે ફોન પર વાત કરતા આ સમગ્ર વાતને ઉજાગર કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, ’મારો પતિ વિશ્વાસઘાતી છે, તેમની પાસે આ અંગે તમામ પુરાવા છે, પરંતુ તેઓ હાલ કોઈ પણ પ્રકારની કાનૂની પગલાં લેવા માગતા નથી.’
બિંદુ મેનને કહ્યું કે, ’ગયા શનિવારે બપોરે હું મારા વાલકમ સ્થિત ઘરે ગઈ હતી. ઘરમાં અને બેડરૂૂમમાં પ્રવેશતા મેં મંત્રીને અશ્ર્લીલ સ્થિતિમાં જોયા. મંત્રીના સ્ટાફે મને રોકવાનો પ્રયાસ કર્યો અને ફોન પણ છીનવી લીધો, હું મદદ માટે રડવા લાગી. ત્યારબાદ મેં પૂર્વ ડીજીપી અને તિરુવનંતપુરમ કોર્પોરેશનની કાઉન્સિલર, જે મારા કઝિનની પત્ની છે, તેમની સાથે સંપર્ક કર્યો. તેમની સલાહ પર મેં પોલીસને ફોન કર્યો. પોલીસ તો આવી ગઈ પણ તેમણે આ મામલે હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી.’ બિંદુ મેનન કહે છે કે, 2014માં કેરળ કોંગ્રેસના નેતા ગણેશકુમારે યામિની થાંકેચીથી કાનૂની રીતે છૂટાછેડા લીધા બાદ મારી સાથે લગ્ન કર્યા હતા.
બિંદુ મેનન કહે છે કે છેલ્લા ઘણા મહિનાથી તેઓ અલગ રહે છે, કારણ કે ગણેશકુમારના અનેક મહિલાઓ સાથે સંબંધ છે. ઘણી મહિલાઓને લઈને અમારી વચ્ચે ઝઘડા પણ થતા હતા. પછી મારો ફોન ટ્રેક કર્યો અને આરોપ મૂક્યો કે મારા મિત્ર સાથે મારે પ્રેમ સંબંધ છે. વધુમાં તેમણે આરોપ મૂક્યો છે કે મંત્રી ગણેશકુમારે તેમનો નંબર બ્લોક કરી દીધો અને પોતાના સ્ટાફને પણ કહ્યું કે મારી સાથે વાત ન કરે.
આ આરોપો પર મંત્રી કે.બી. ગણેશકુમારે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું છે કે, ’આ બધું ચૂંટણીના સમયે મારા વિરુદ્ધ ષડયંત્ર છે. તેઓ એવુ ન કહી શકે કે હું અયોગ્ય કે ભ્રષ્ટ છું. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આવા મુદ્દા ઉઠે છે. જો તમે પ્રેમ વિશે પૂછો તો એમાં કોઈ જ નવાઈની વાત નથી. કારણ કે મારા જીવનમાં ઘણા લોકો છે જેમને હું પ્રેમ કરું છું અને ઘણા લોકો છે જે મને પ્રેમ કરે છે.’
