રાઘવ ચઢ્ઢા સહિતના રાજ્યસભાના 7 સાંસદો આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ભળી ગયા તેના કારણે આપના મુખિયા અરવિંદ કેજરીવાલના માથે માછલાં ધોવાઈ જ રહ્યાં છે ત્યાં કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટનાં જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્મા સામે જંગ છેડીને પેટ ચોળીને નવું શૂળ ઊભું કર્યું છે. કેજરીવાલે લિકર કેસની સુનાવણી કરી રહેલાં જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્માને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં એજન્ટ ગણાવીને પોતાના કેસમાંથી દૂર કરવા અરજી કરેલી.
કેજરીવાલે જસ્ટિસ સ્વર્ણકાન્તા સામે બીજા પણ અત્યંત ગંભીર કહેવાય એવા અંગત આક્ષેપો કરેલા પણ હાઈકોર્ટે આ અરજી ફગાવી દેતાં કેજરીવાલે હવે ’સત્યાગ્રહ’નું તૂત શરૂૂ કર્યું છે. દિલ્હી જ નહીં પણ આખા ભારતમાં ગાજેલા લિકર એક્સાઈઝ કેસમાં સીબીઆઈએ પહેલાં મનિશ સિસોદિયા અને પછી અરવિંદ કેજરીવાલને ઉઠાવીને જેલમાં ધકેલી દીધા હતા. બંને લંબો સમય સુધી જેલની હવા ખાધા પછી જમીન પર છૂટેલા. આ કેસમાં પછીથી ટ્રાયલ કોર્ટે કેજરીવાલ અને સિસોદિયા બંનેને દૂધે ધોયેલા જાહેર કરીને નિર્દોષ છોડી મૂક્યા હતા.
આ કેસના તમામ 2 3 આરોપીઓને કોર્ટે છોડી મૂકેલા. તેની સામે સીબીઆઈએ હાઈ કોર્ટમાં અરજી કરી છે. આ અરજીની સુનાવણી શરૂૂ થાય એ પહેલાં જ કેજરીવાલે જસ્ટિસ સ્વર્ણકાન્તા સામે મોરચો માંડીને તેમને કેસમાંથી હટાવવાના ઉધામા શરૂૂ કરી દીધેલા. તેની સામે અરજી પણ કરેલી પણ હાઈ કોર્ટે અરજી ના સ્વીકારતાં હવે ’સત્યાગ્રહ’ના તૂત પર ઉતર્યા છે. કેજરીવાલે જસ્ટિસ શર્માને ના હટાવાય ત્યાં સુધી પોતે કે પોતાનો વકીલ લિકર કેસમાં કોર્ટમાં હાજર નહીં થાય એવું સત્તાવાર રીતે કોર્ટને જણાવ્યું છે. જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્માને લખેલા ચાર પાનાંના લાંબાલચ્ચક કાગળમાં કેજરીવાલે પચીસ મુદ્દામાં પોતે કેમ જસ્ટિસ સ્વર્ણકાન્તાને પોતાના કેસમાં નથી ઈચ્છતા તેનું પિષ્ટપિંજણ કર્યું છે.
કેજરીવાલનું કહેવું છે કે, પોતાને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે પણ જસ્ટિસ સ્વર્ણકાન્તામાં નથી તેથી જસ્ટિસ સ્વર્ણકાન્તા સુનાવણી કરે તો પોતાને ન્યાય મળવાની જરાય આશા નથી. આ સંજોગોમાં પોતાની પાસે ગાંધીચીંધ્યા માર્ગે ‘સત્યાગ્રહ’ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી. કેજરીવાલે પોતાના અંતરાત્માના અવાજને અનુસરીને પોતે આ નિર્ણય લીધો હોવાનો દાવો કર્યો છે અને જાહેર કર્યું છે કે, જસ્ટિસ સ્વર્ણકાન્તા પોતાની વિરુદ્ધ ચુકાદો આપે તો તેની સામે પોતે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે.
ટૂંકમાં કેજરીવાલે જસ્ટિસ સ્વર્ણકાન્તાને મરજી આવે એ ચુકાદો આપવા પડકાર ફેંકી દીધો છે. કેજરીવાલની હરકત આઘાતજનક છે ને આ દેશના ન્યાયતંત્રની નિષ્પક્ષતા સામે સીધો પડકાર જ ફેંકી રહ્યા છે. જસ્ટિસ સ્વર્ણકાન્તા આ દેશની સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી પ્રક્રિયાને અનુસરીને દિલ્હી હાઈ કોર્ટમાં જજ નિમાયા છે. હાઈ કોર્ટના જજ તરીકેની તેમની કામગીરીમાં તેમણે કદી કોઈ એવા ચુકાદા આપ્યા નથી કે જેના કારણે પૂર્વગ્રહ ધરાવતાં હોય કે કોઈ ચોક્કસ વિચારધારા કે પક્ષની કંઠી બાંધીને ફરતા હોય એવું લાગે. જજ તરીકેનો તેમનો રેકોર્ડ એકદમ ક્લીન છે એ જોતાં તેમની સામે આંગળી ચીંધવીએ ન્યાયતંત્ર સામે જ આંગળી ચીંધ્યા બરાબર કહેવાય. જસ્ટિસ સ્વર્ણકાન્તાની નિષ્પક્ષતા સામે શંકા કરવી એ ન્યાયતંત્રની નિષ્પક્ષતા સામે શંકા કર્યા બરાબર કહેવાય અને કેજરીવાલ અત્યારે એ જ કરી રહ્યા છે.
કેજરીવાલ જસ્ટિસ સ્વર્ણકાન્તાને પક્ષપાતી ગણાવવા બદલ આપી રહ્યા છે એ કારણો વાહિયાત છે અને પોતાની વિરુદ્ધ જ ચુકાદો આપશે એવા તેમના દાવા પાછળનાં કારણો પણ હાસ્યાસ્પદ છે. કેજરીવાલે જસ્ટિસ સ્વર્ણકાન્તા સંઘના કાર્યક્રમમાં હાજર રહ્યાં એ મુદ્દાને આગળ ધરીને મોરચો માંડવાની શરૂૂઆત કરી હતી.
કેજરીવાલે જસ્ટિસ શર્માના વૈચારિક વલણ સામે સવાલ ઉઠાવીને આક્ષેપ કર્યો છે કે, જસ્ટિસ શર્માએ આરએસએસની કાનૂની પાંખ એવી ’એડવોકેટ કાઉન્સિલ” ની ઓછામાં ઓછી ચાર બેઠકોમાં હાજરી આપી હોવાના પુરાવા છે. બીજી તરફ લિકર કેસમાં આરોપીઓ આરએસએસની વિચારધારાના કટ્ટર વિરોધી હોવાથી અમને બધાંને ડર છે કે જસ્ટિસ શર્માનો પક્ષપાત ચુકાદાને પ્રભાવિત કરી શકે છે.
