ટ્રમ્પ ટેરીફ, ગ્લોબલ પોઝિશન અને એઆઇના ખોફને કારણે આઇટી કંપનીના શેર પર વીકના તળિયે ફેબ્રુઆરીમાં જ નીફટી આઇટી ઇન્ડેકસ 21 ટકા તૂટયો
છેલલા એક વર્ષ દરમ્યાન સેન્સેકસ અને નીફટીમાં મોટો વધારો થયો પરંતુ નીફટી આઇટીમાં વળતા પાણી જોવા મળ્યા છે. છેલલા બાવન સપ્તાહ દરમિયાન નીફટી આઇટીમાં 10000 પોઇન્ટનો તોતીંગ કડાકો બોલી જતા આઇટી કંપનીઓમાં મોટી હલચલ જોવા મળી છે. છેલ્લા એક વર્ષમાં જ નીફટી આઇટીમાન 25 ટકાનો ઘટાડો નોંધાતા રોકાણકારોના તો અબજો રૂપીયાનું ધોવાણ થઇ ગયું છે.
એક વર્ષ પહેલા આઇટી કંપનીમાં ફરી ચમક જોવા મળી હતી. ભારતની તમામ આઇટી કંપનીમાં પણ નવા ઓર્ડર આવતા શેરોના ભાવ પણ વધ્યા હતા. પરંતુ 2025ના મધ્ય ભાગમાં ફરી આઇટી કંપનીમાં વૈશ્વિક મંદીના મારમાં આવી હતી. અમેરીકામાં ડોનાલ્ડ ટ્રમ્પનું રાજ આવતા ફરી ભારતીય કંપનીઓના પણ વળતા પાણી થયા હતા અને નવા ટેરીફ ભારતમાં પણ લાદવામાં આવતા આઇટી કંપનીના શેરો પણ ગગડયા હતા.
આ ટેરીફના માર વચ્ચે હવે આર્ટિફીશ્યલ ઇન્ટેલીજન્સ (એઆઇ)નું ભુત ધુણ્યું છે. તાજેતરમાં એન્થ્રોપીકે અહેવાલ આપ્યો હતો કે આઇટી ક્ષેત્રના મોટા ભાગના સોફટવેર હાર્ડવેર અપડેટ હવે એઆઇ દ્વારા સરળતાથી થઇ શકશે. જેને કારણે આઇટી કંપનીને મળતા ઓર્ડરમાં મોટો ઘટાડો થઇ શકે છે.
આ સમાચાર વહેતા થયા બાદ આઇટી કંપનીના શેરોમાં માત્ર 10 દિવસમાં 8 થી 10 ટકાનું ધોવાણ થઇ ગયું છે. એક રિપોર્ટ મુજબ ફ્ેબ્રુઆરીમાં જ ભારતીય રોકાણકારોના 6.4 લાખ કરોડ રૂપીયા સાફ થઇ ગયા છે. માત્ર ફેબ્રુઆરીની જ વાત કરીએ તો નીફટી આઇટી ઇન્ડેકસમાં 21 ટકાનો ઘટાડો નોંધાયો છે. ભારતની તમામ આઇટી કંપનીના શેરો બાવન વીકના તળીયે પહોંચી ગયા છે. વર્તમાન ગ્લોબલ પોઝીશન, યુધ્ધના ઓછાયા તેમજ એઆઇના ડરને કારણે આઇટી કંપનીના શેરોના ભવિષ્ય અંગે પણ ચિંતા જોવા મળી રહી છે.
એક વર્ષની વાત કરીએ તો સેન્સેકસ 71425થી વધીને 86159 સુધી પહોંચ્યો હતો એટલે કે એક વર્ષમાં સેન્સેકસ 15000 પોઇન્ટ વધ્યો છે. નીફટી 21743 પોઇન્ટથી આગળ વધીને 26373 સુધી પહોંચ્યો છે. એટલે કે લગભગ 5000 પોઇન્ટ જેટલી નીફટી પણ વધી છે.
પરંતુ આઇટી ઇન્ડેકસમાં ઉંધી ચાલ જોવા મળી હતી. એક વર્ષમાં નીફટી આઇટી ઇન્ડેકસ એક સમયે 40301 સુધી જોવા મળ્યો હતો. જે આ વર્ષમાં ઘટીને 29875 સુધી જોવા મળ્યો હતો. એટલે કે એક વર્ષમાં જ નીફટી આઇટીમાં 10400 પોઇન્ટનું મોટું ગાબડું જોવા મળ્યું છે.
જો કે ભુતકાળમાં 2004 ને 2008 માં નીફટી આઇટીમાં મોટા ગાબડા પડયા બાદ ઐતિહાસીક રીકવરી પણ કરી હતી. પરંતુ આવી રીકવરી હવે જોવા મળશે કે નહીં તે અંગે બ્રોકીંગ હાઉસને આશા છે. પરંતુ રોકાણકારોનો વિશ્વાસ ડગી ગયો છે.
2008ની સાલમાં નીફટી 21 ટકા તૂટયો હતો
એવું નથી કે નીફટી આઇટી હાલ તુટી રહ્યો છે. ભુતકાળમાં પણ નીફટી આઇટીમાં મોટા કડાકા બોલી ગયા હતા. બલ્કે 2008ની સાલમાં તો નીફટી આઇટી 21 ટકા તુટયો હતો. 2008ની સાલમાં વિશ્ર્વભરમાં મંદીની માર જોવા મળી હતી. 2008ના સપ્ટેમ્બરમાં નીફટી આઇટી ઇન્ડેકસ 3927 હતો. જો કે ત્યારબાદ માર્કેટમાં સુધારો આવ્યો હતો. ભારતીય આઇટી કંપનીઓને પણ અમેરિકા અને યુરોપની નવા ઓર્ડર મળ્યા હતા અને નીફટી આઇટીમાં શાનદાર રીકવરી જોવા મળી હતી.

