ભારતમાં છેલ્લા એક અઠવાડિયાથી એલન મસ્કની કંપની એક્સએઆઈ દ્વારા વિકસાવવામાં આવેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ચેટ બોટ ગ્રોકની ભારે ધૂમ છે. એઆઈ ચેટ બોટમાં તમે કોઈ પણ સવાલ પૂછો તેનો પહેલાંથી ફીડ કરેલો જવાબ મળતો હોય છે. ગ્રોક 3ને પણ યુઝર્સ સવાલો પૂછી રહ્યા છે ને આવા સેંકડો સવાલો રોજ પુછાતા હશે, પણ ગ્રોકની ધૂમનું કારણ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, નરેન્દ્ર મોદી, ભાજપ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિનાયક દામોદર સાવરકર વગેરેને લગતા સવાલોના જવાબ છે. આ જવાબોના કારણે મોદીભક્તોમાં તો સોપો પડી ગયો જ છે, પણ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પણ ખળભળી ગઈ છે.
કેન્દ્ર સરકારે એલોન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મસ્કની જ કંપની એક્સએઆઈના ચેટબોટ ગ્રોક દ્વારા અપાતા જવાબો અંગે ચિંતા વ્યક્ત કરીને ખુલાસો માંગ્યો છે. સરકારે ગ્રોક દ્વારા જનરેટ કરાતા જવાબો અને ચેટબોટને તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવાતા ડેટા અંગે સ્પષ્ટતા માંગી છે. સરકારે ક્યા ક્યા સવાલો અંગે સ્પષ્ટતા માગી તેની વિગતો મીડિયા રીપોર્ટમાં નથી, પણ આ સવાલ-જવાબ કયા હશે ને આ માહિતી કેમ માંગવામાં આવી એ કહેવાની જરૂૂર નથી. મોદી સરકારે આ સ્પષ્ટતા માંગવી પડી તેનું કારણ અચાનક જ મોદી, ભાજપ, સંઘને લગતા સવાલનું આવી ગયેલું ઘોડાપૂર છે. મોદીએ 2014માં ચૂંટણીપ્રચારમાં આપેલાં વચનોથી માંડીને મોદીની ડિગ્રી સુધીના સવાલોના જવાબો મોદીભક્તોને માફક આવે એવા નથી. ભારતમાં મીડિયા અને સોશિયલ મીડિયા બંને મોદીભક્તિમાં લાગેલાં છે. મોદી અને મોદીભક્તોની વાતોને ચકાસ્યા વિના બ્રહ્મવાક્ય હોય એ રીતે મીડિયા છાપી મારે છે અથવા બતાવી દે છે અને સોશિયલ મીડિયા તેને વાયરલ કરે છે.
આ વાતોમાં સત્ય છે કે નહીં તેની કોઈને પરવા નથી કેમ કે ચોક્કસ એજન્ડાના ભાગરૂૂપે આ બધું થઈ રહ્યું છે. હવે મસ્કની કંપની એવો જ કહેવાતો મોદીવિરોધી એજન્ડા લઈને મેદાનમાં આવી છે તેથી મોદી સરકાર ભડકી ઊઠે એ સ્વાભાવિક છે. સોશિયલ મીડિયા એ જ પ્રકારની વાતો નરેન્દ્ર મોદી, ભાજપ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે કરે છે ત્યારે મોદી સરકારને મરચાં લાગે છે. ભારતની બહુમતી પ્રજાનું વાંચન બહુ ઓછું છે તેથી સોશિયલ મીડિયા પર જે પણ પિરસાય તેને ગળે ઉતારી લે છે. તેને પરમ સત્ય માની લે છે. મોદી ને ભાજપે તેનો બહુ લાભ લીધો પણ હવે બીજા લાભ લે એ તેમને ગમતું નથી.