પંજાબ પોલીસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના કથિત ઇશારે આતંકી વારદાતોને અંજામ આપવાના એક મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે. અમૃતસર પોલીસના સત્તાવાર જણાવ્યા અનુસાર, આ ગંભીર કેસમાં 2 અલગ-અલગ ગેંગ સાથે જોડાયેલા 4 સગીરો સહિત કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી પેટ્રોલ બોમ્બ, બોટલ બોમ્બ, પિસ્તોલ, કારતૂસ અને અન્ય શંકાસ્પદ સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ નેટવર્કનું કનેક્શન સીધું દિલ્હીના જંતર-મંતર સાથે જોડાયેલું છે. એક ગેંગના આરોપીઓ ત્યાં ચાલી રહેલા ધરણા દરમિયાન પહોંચ્યા હતા અને તેમને સ્થાનિક સ્તરે મદદ તથા સામગ્રી પૂરી પાડવાની કોશિશ કરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન પોલીસને બીજી ગેંગ વિશે અત્યંત ચોંકાવનારી અને ગંભીર માહિતી મળી છે. આરોપીઓએ સંવેદનશીલ રેલવે ટ્રેક પાસે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા અને ત્યાંથી મળતા લાઇવ ફૂટેજ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરો સુધી સતત મોકલતા હતા. જોડા ફાટક પાસે રેલવે ટ્રેક પરથી કેમેરો મળી આવ્યા બાદ મોહકમપુરા નિવાસી વંશ કુમાર અને એક સગીરને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની પાસેથી હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
એક બીજી ઘટનામાં ગઈકાલે રાત્રે, પાકિસ્તાનથી ભારતીય ક્ષેત્રમાં ત્રણ ડ્રોન મોકલવામાં આવ્યા. ઇજઋ એ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂૂ કર્યું, જેના પરિણામે શસ્ત્રોનો મોટો જથ્થો મળી આવ્યો. પોલીસે ઘટનાસ્થળેથી એક તસ્કરની ધરપકડ કરી છે. તરનતારનના એસએસપી સુરિન્દર લાંબાએ જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન દરમિયાન સાત વિદેશી બનાવટની પિસ્તોલ, એક ગ્રાફર સુરક્ષા બંદૂક, 89 કારતૂસ અને મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
