ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો તણાવ ચરમસીમાએ છે. આ યુદ્ધમાં પડોશી દેશોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ યુદ્ધ શરુ થયું ત્યારથી દુબઈ પર અનેક વખત હુમલા કરવામાં આવ્યા છે. ત્યારે ફરી એકવાર દુબઈ એરપોર્ટ પર ડ્રોન હુમલો થયો છે.
https://x.com/TheCradleMedia/status/2033344065601700080?s=20
દુબઈ એરપોર્ટ પર ડ્રોન ક્રેશ થયા બાદ એક જોરદાર વિસ્ફોટ સંભળાયો હતો. વિસ્ફોટથી નજીકમાં સ્થિત ઇંધણ ટાંકીમાં આગ લાગી ગઈ હતી. જોકે, ત્યારબાદ તરત જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સાવચેતીના પગલા તરીકે દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તમામ ફ્લાઇટ કામગીરી સ્થગિત કરવામાં આવી છે. દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક ડ્રોન હુમલાને કારણે સર્જાયેલી આગની ઘટના બાદ સુરક્ષાના ભાગરૂપે કેટલીક ફ્લાઈટ્સને જેબેલ અલી સ્થિત અલ્ મકતુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ (DWC) પર ડાયવર્ટ કરવામાં આવી છે. જોકે, દુબઈ મીડિયા ઓફિસના જણાવ્યા અનુસાર, ફ્યુઅલ ટેન્ક પર લાગેલી આગ પર હવે સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ સાવચેતીના પગલારૂપે આ ડાયવર્ઝનનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દુબઈ એરપોર્ટ્સે જાહેરાત કરી છે કે દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે મૂળ રીતે નિર્ધારિત ઘણી ફ્લાઇટ્સને અલ મક્તૂમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ વાળવામાં આવી રહી છે. વધુમાં, એરપોર્ટ સ્ટ્રીટ અને એરપોર્ટ ટનલની અંદર ટ્રાફિકને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યો છે. ભારતથી દુબઈ જતી એક અમીરાત ફ્લાઇટ સુરક્ષા કારણોસર કોચી પરત ફરી હતી. ઉતરાણ પછી મુસાફરોને વિમાનમાંથી ઉતારીને એરપોર્ટ પરિસરમાં જ ગોઠવવામાં આવ્યા.
દુબઈ સિવિલ એવિએશન ઓથોરિટીએ મુસાફરો અને સ્ટાફની સલામતી અને સુરક્ષાને પ્રાથમિકતા આપતા દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરીને હંગામી ધોરણે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. એરપોર્ટ અધિકારીઓએ એક સ્પષ્ટ નિર્દેશ જારી કરીને જનતાને એરપોર્ટની નજીક ન જવાની સલાહ આપી છે. એરપોર્ટ અધિકારીઓએ જનતાને અપીલ કરી છે કે તેઓ ફ્લાઇટ સંબંધિત તમામ અપડેટ્સ ઓનલાઈન તપાસે અને આ સમયે એરપોર્ટની આસપાસના વિસ્તારમાં મુસાફરી કરવાનું ટાળે.
કુવૈત નેશનલ ગાર્ડના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં તેમણે તેમની સરહદમાં ઘૂસેલા બે ડ્રોનને તોડી પાડ્યા છે. અગાઉ રવિવારે અલી અલ સાલેમ બેઝ પર થયેલા ડ્રોન હુમલામાં ઈટાલિયન ફોર્સના આશ્રયસ્થાનને નુકસાન થયું હતું.
