સુરેન્દ્રનગરની શાળામાં મધ્યાહ્ન ભોજનના અનાજમાં જીવાતો નીકળી

સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજની સરકારી શાળામાં મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ મળતા મધ્યાહન ભોજનના અનાજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. શાળામાં કરાયેલા રિયાલિટી ચેક દરમિયાન ઘઉં…

સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજની સરકારી શાળામાં મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ મળતા મધ્યાહન ભોજનના અનાજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. શાળામાં કરાયેલા રિયાલિટી ચેક દરમિયાન ઘઉં અને ચણામાં જીવાતો જોવા મળી હોવાનો આક્ષેપ છે. ઉપરાંત રસોઈ માટેના તેલને ગરમ કરતાં તેમાં ફીણ વળતી હોવાનું પણ સામે આવ્યું હતું. ઘટનાને પગલે પુરવઠા વિભાગે જિલ્લાભરમાં ફાળવાયેલા ચણાનો ઉપયોગ ન કરવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.

દુધરેજ પાસે આવેલી 120થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી સરકારી શાળા નં. 2માં ચાલુ મહિને ફાળવવામાં આવેલા ઘઉં અને ચણામાં ધનેરા તથા અન્ય જીવાતો જોવા મળી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ રસોઈ માટેના તેલને ગરમ કરતાં તેમાં ફીણ વળતી હોવાનું પણ સામે આવ્યું હતું. શાળાના આચાર્ય અને એસએમસી પ્રમુખ દ્વારા અગાઉ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ગુણવત્તામાં સુધારો ન થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.શાળાના આચાર્ય ચેતનભાઈ પાટડીયાના જણાવ્યા મુજબ પુરવઠા વિભાગ, મામલતદાર અને કલેક્ટર કચેરીમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં દર મહિને જીવાત અને ફૂગવાળું હલકી ગુણવત્તાનું અનાજ મળતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. બાળકોના સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે મધ્યાહન ભોજનના કર્મચારીઓ પોતાના ખર્ચે સારું અનાજ ખરીદી રસોઈ બનાવી વિદ્યાર્થીઓને પીરસી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

દુધરેજના રહીશ વિનોદભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે અનાજ અને રસોઈના માલસામાનની ગુણવત્તા અંગે પુરવઠા વિભાગનો સંપર્ક કરાતા તપાસ કરીને અનાજ બદલવાની વાત કરવામાં આવી છે. જોકે માત્ર અનાજ બદલી આપવાથી મામલો ઉકેલાઈ શકે નહીં અને બાળકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા કોન્ટ્રાક્ટર અથવા જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરીને દાખલારૂૂપ કાર્યવાહી કરવાની માગ તેમણે કરી છે. સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જરે જણાવ્યું હતું કે તમામ મધ્યાહન ભોજન સંચાલકોને અગાઉથી જ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ખરાબ કે સડેલું અનાજ બાળકોના ઉપયોગમાં લેવું નહીં અને આવી સ્થિતિ જણાય તો તાત્કાલિક જાણ કરવી. દુધરેજ શાળા નં. 2નો મામલો ધ્યાને આવતા તપાસ માટે ટીમ મોકલી આપવામાં આવી છે.