શિક્ષકોના 29 પડતર પ્રશ્ર્નો માટે અંતે સરકાર જાગી

શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, સચિવ, શિક્ષક સંઘના પ્રમુખ સહિતનાની હાજરીમાં મળી બેઠક ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા તથા રાજ્ય પ્રાથમિક…

શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, સચિવ, શિક્ષક સંઘના પ્રમુખ સહિતનાની હાજરીમાં મળી બેઠક

ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા તથા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની આગેવાની હેઠળ સંઘના આગેવાનોની શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં શિક્ષણ વિભાગના સચિવ મિલિંદ તોરવણે, પ્રાથમિક શિક્ષણ નિયામક ત્રિવેદી તેમજ એસએસએ અને જીસીઈઆરટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન શિક્ષકો તથા શૈક્ષણિક વ્યવસ્થાને લગતા લાંબા સમયથી પડતર 29 જેટલા મહત્વપૂર્ણ પ્રશ્નો અંગે શિક્ષણ મંત્રી તથા શિક્ષણ વિભાગના સચિવની ઉપસ્થિતિમાં વિસ્તૃત રજૂઆત અને સમીક્ષા કરવામાં આવી હતી.

સંઘ દ્વારા રજૂ કરાયેલા મુખ્ય પ્રશ્નોમાં નગર પ્રાથમિક શિક્ષકોને જૂથ વીમા યોજનાનો લાભ, પેન્શનની પ્રક્રિયા એક જ સ્થળેથી કરવાની વ્યવસ્થા, પીપીએએન/સીએફપીની વિસંગતતા દૂર કરવી, એનપીએસ ફેમિલી પેન્શનનો લાભ, ફિક્સ પગારની સેવા ગ્રેચ્યુઇટીમાં ગણવા, ઉચ્ચતર પગારધોરણના એરિયયર્સ, એચઆરએ/સીએલએ તથા કેન્દ્રના ધોરણે એચઆરએ સહિતના પ્રશ્નોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત મહાનગરપાલિકા શિક્ષકોને 100 ટકા ગ્રાન્ટ, એચટીએટી બઢતી, શાળા સહાયક તથા વ્યાયામ શિક્ષકોની નિયમિત ભરતી, સીઇટી તથા જ્ઞાન સાધના શિષ્યવૃત્તિમાં સમાનતા, જિલ્લા શિક્ષણાધિકારી તથા શાસનાધિકારીની ખાલી જગ્યાઓ ભરવા, પગાર રક્ષણ અને સળંગ સેવા સહિતના મુદ્દાઓ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.

ગુણોત્સવના મૂલ્યાંકન માળખામાં સુધારા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓને એમઆઈએસ કો-ઓર્ડિનેટર અને ડેટા એન્ટ્રી ઓપરેટરની ફાળવણી અંગે પણ સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. શિક્ષણ કાર્યને વધુ અસરકારક બનાવવા માટે સંઘ દ્વારા કેટલાક સૂચનો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

બેઠક દરમિયાન વિવિધ પ્રશ્નો અંગે સંબંધિત કચેરીઓ દ્વારા અત્યાર સુધી હાથ ધરવામાં આવેલી કાર્યવાહી તથા આગળની પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી હતી. કેટલાક પ્રશ્નો નીતિગત નિર્ણય તથા નાણા વિભાગના પરામર્શને આધીન હોવાનું જણાવાયું હતું, જ્યારે કેટલાક પ્રશ્નો અંગે સંબંધિત વિભાગો દ્વારા જરૂૂરી કાર્યવાહી ચાલી રહી હોવાનું જણાવાયું હતું. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોના તબક્કાવાર અને હકારાત્મક ઉકેલ માટે સરકાર તથા સંબંધિત અધિકારીઓ સાથે સતત સંકલન અને રજૂઆત ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું હતું.