આવકવેરા વિભાગે મોરબી, અમદાવાદ, મહેસાણા, સહિતના સ્થળોએ મોટાપાયે દરોડા પડ્યા હતા. મોરબીના તિર્થક પેપરમીલ અને સોહમ પેપરને ત્યાં આજે બીજા દિવસે તપાસ પૂર્ણ થઇ છે. એક સાથે 35 સ્થળે હાથ ધરેલ સર્ચ ઓપરેશનમાં ટ્રોગન ગ્રુપ, રાધે ગ્રુપ, ધરતી સાકેત ગ્રુપ અને તેમના સહયોગીઓના અમદાવાદ, મહેસાણા, મોરબી, ગાંધીનગર અને હિંમતનગરમાં દરોડા દરમ્યાન પાંચ કરોડની રોકડ અને જવેરાત મળી આવ્યા છે. તેમજ આવકવેરા વિભાગે ડીજીટલ ડેટા કબજે કરવામાં આવ્યો છે.
આવકવેરા વિભાગની ટીમે તપાસ કરતા પ્રાથમિક તપાસમાં કરોડોની કિંમતના વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે અને આ દસ્તાવેજોની ચકાસણી અને સર્ચ બાદ કરોડોના બિનહિસાબી વ્યવહારો અને કરોડોની કરચોરી શોધી કાઢવામાં આવે તેવી શક્યતા છે. હજુ પણ સતત બીજા દિવસે આવકવેરા વિભાગની ટીમે ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ અને હિંમતનગરમાં તપાસ ચાલુ રાખી છે. જ્યારે મોરબીમાં આવકવેરા વિભાગની તપાસ પૂર્ણ થઇ ગઇ છે. પોલીસ અને એસઆરપીના ચુસ્ત બંદોબસ્ત હેઠળ આવકવેરા વિભાગના 150 જેટલા અધિકારીઓએ શુક્રવાર સવારથી શરૂ કરેલ આ ઓપરેશન આજે પણ ચાલુ રહ્યું છે. આવકવેરા વિભાગે મોરબીમાં રાજકીય કનેક્શન ધરાવતા સિરામિક ઉદ્યોગ તિરતક ગ્રુપ અને સોહમ પેપર મિલ પર પણ સર્ચ ર્ક્યા બાદ બીજા દિવસે તપાસ પૂરી કરી દીધી છે.
જ્યારે રિયલ એસ્ેટટ સાથે જોડાયેલા મુળ મહેસાણાના જાણીતા બિલ્ડર મહેન્દ્ર પટેલ તેમજ અન્ય ભાગીદારોને ત્યાં તપાસ ચાલુ છે. રાધે ગ્રૂપ અને ધરતી ગ્રૂપ તેમજ ટ્રોગન ગ્રૂપને ત્યાં બીજા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ છે અને આવકવેરા વિભાગે બેન્ક લોકર સીલ કરી ડીજીટલ ડેટા કબજે ર્ક્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રોગન ગ્રુપ, રાધે ગ્રુપ, ધરતી સાકેત ગ્રુપની હેડ ઓફિસ મહેસાણામાં છે અને અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર સહિત અનેક જગ્યાએ તેમની ઓફિસો અને રહેણાંક અને કોમર્શિયલ પ્રોજેક્ટ પણ ચાલી રહ્યા છે. આવકવેરા વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ ત્રણ દિવસ આ સર્ચ ઓપરેશન ચાલુ રહેશે અને મોટી કર ચોરી બહાર આવે તેવી શક્યતા છે.