દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના નેતા શાહનવાઝ હુસેને એક કાર્યક્રમમાં ગુજરાતમાં 2002માં થયેલા રમખાણને યાદ કરતા પીએમ મોદીની પ્રશંસા કરી હતી. શાહનવાઝ હુસેને કહ્યું કે, મોદી ગુજરાતના મુખ્યમંત્રી ના હોત તો ગોધરાકાંડમાં લાખો લોકો માર્યા ગયા હોત.
મોદીજીએ જે રીતે રાજ્યને કંટ્રોલ કર્યું, જે રીતે સંભાળ્યું તેમની જેટલી પ્રશંસા કરો એટલી ઓછી છે. ઇતિહાસ તેમને યાદ રાખશે. લોકોમાં કેટલો ગમ-ગુસ્સો હતો તેમ છતાં લોકોને સંભાળવાનું તેમને કામ કર્યું. જ્યારે ભીડ હદથી બહાર નીકળી જાય તો સંભાળવામાં તકલીફ પડે છે. વધુમાં શાહનવાઝ હુસેને કહ્યું કે, ગોધરામાં કાર સેવક અયોધ્યાથી આવતા હતા તેમને સળગાવી દેવામાં આવ્યા હતા તે દુ:ખદ છે. આજે પણ આ સાંભળીને દુ:ખ થાય છે.
મહત્ત્વપૂર્ણ છે કે તાજેતરમાં ગોધરાકાંડ પર એક ફિલ્મ બનાવવામાં આવી હતી. આ ફિલ્મને જોઇને પીએમ મોદીએ ફિલ્મના વખાણ કર્યા હતા અને સોશિયલ મીડિયા સાઇટ એકસ પર પોસ્ટ કરતા લખ્યુ કે, સત્ય સામે આવે જ છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, સારી વાત છે કે સત્ય બહાર આવી રહ્યું છે, તે પણ એવી રીતે કે સામાન્ય લોકો પણ તેને જોઈ શકે. ખોટા ખ્યાલ થોડા સમય માટે જ ટકી શકે છે, આખરે તથ્યો બહાર આવે છે.