કેટલા બેંક ખાતા છે? વસતી ગણતરીમાં 40 સવાલ પૂછાશે

કેન્દ્ર સરકારે દેશની આગામી વસ્તી ગણતરી 2027ના બીજા તબક્કા માટે 40 પ્રશ્નોની યાદી જાહેર કરી છે. આ પ્રશ્નોમાં લોકોની સામાજિક-આર્થિક સ્થિતિ ઉપરાંત અનુસૂચિત જાતિ (SC),…

કેન્દ્ર સરકારે દેશની આગામી વસ્તી ગણતરી 2027ના બીજા તબક્કા માટે 40 પ્રશ્નોની યાદી જાહેર કરી છે. આ પ્રશ્નોમાં લોકોની સામાજિક-આર્થિક સ્થિતિ ઉપરાંત અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય જાતિઓ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ માહિતી એકત્ર કરવામાં આવશે. વર્ષ 1931 પછી આ પહેલીવાર બનશે જ્યારે વ્યાપક સ્તરે જાતિગત આંકડા નોંધવામાં આવશે. આ સિવાય લોકો પાસેથી કોવિડ-19ની વેક્સિન ક્યાંથી લેવામાં આવી હતી તે અંગેની વિગતો પણ માંગવામાં આવશે. વસતી ગણતરીનો બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં શરૂ થશે.

વસ્તી ગણતરીના બીજા તબક્કામાં વ્યક્તિગત અને કુટુંબ સંબંધિત મહત્ત્વની માહિતી પૂછવામાં આવશે. જેમાં વ્યક્તિનું નામ, કુટુંબના વડા સાથેનો સંબંધ, લિંગ, જન્મતારીખ, વૈવાહિક સ્થિતિ, નાગરિકત્વ, ધર્મ, SC/STઅથવા જાતિની વિગતો, માતા-પિતાની માહિતી, દિવ્યાંગતા, માતૃભાષા અને અન્ય ભાષાઓનું જ્ઞાન, સાક્ષરતા અને ડિજિટલ સાક્ષરતા, શિક્ષણનું સ્તર, રોજગાર અને કામકાજનો પ્રકાર, આવક મેળવવાના સાધનો, સ્થળાંતરનું કારણ અને કાચા-પાકા સરનામાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહિલાઓ માટે પ્રજનન ક્ષમતા અને બાળકના જન્મ સંબંધિત પ્રશ્નો તેમજ બેંક ખાતાની સંખ્યા, મોબાઇલ નંબર અને અન્ય દસ્તાવેજી માહિતી મેળવવામાં આવશે.

વસ્તી ગણતરી 2027એ દેશની 16મી અને આઝાદી પછીની 8મી વસ્તી ગણતરી હશે. આ ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી પણ છે, જેમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા આંકડા એકત્ર કરવા અને નાગરિકોને જાતે માહિતી અપલોડ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 2021ની વસ્તી ગણતરી કોવિડ-19ના કારણે સ્થગિત કરવામાં આવી હતી.

પ્રથમ તબક્કામાં મકાનોની ગણતરી માટે 33 પ્રશ્નો પૂછાયા હતા
આ પહેલા, રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા (હાઉસલિસ્ટિંગ અને મકાન ગણતરી) માટે 33 પ્રશ્નો નોટિફાઇ કરવામાં આવ્યા હતા. તે પ્રશ્નાવલીમાં મુખ્યત્વે પરિવારની ઘરવપરાશની સુવિધાઓ, મકાનની સ્થિતિ અને પરિવારના વડા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે ’અન્ય’ શ્રેણીમાંથી આવે છે કે નહીં તેની વિગતો સામેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *