તમિળનાડુ સહિતનાં દક્ષિણ ભારતનાં રાજ્યોમાં હિન્દી થોપવામાં આવી રહી હોવાનો મુદ્દો ઊભો કરીને શરૂૂ કરાયેલો કકળાટ શમ્યો નથી ત્યાં હવે મહારાષ્ટ્રમાં પણ આ પ્રકારનો વિવાદ ઊભો થયો છે. મહારાષ્ટ્રમાં ધોરણ 1 થી 5 સુધી ફરજિયાત હિન્દી શીખવવાનું નક્કી કરાયું તેની સામે રાજકીય પક્ષો તો મેદાનમાં આવી જ ગયા છે પણ ભાષાવિદોએ પણ વાંધો લીધો છે. એક તરફ ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) મેદાનમાં આવ્યાં છે તો બીજી તરફ મહારાષ્ટ્ર સરકારની ભાષા સલાહકાર સમિતિએ પણ ફરજિયાત હિન્દી શીખવવા સામે વાંધો લીધો છે. આ મુદ્દો ચગે નહીં એટલા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દોડતા થઈ ગયા છે. ફડણવીસે કહ્યું છે કે, મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ પર હિન્દી ભાષા લાદવામાં આવી રહી નથી કે મરાઠીને બદલે હિન્દી ફરજિયાત બનાવવામાં આવી નથી. મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે મરાઠી ભાષા ફરજિયાત છે અને તેમાં કોઈ ફેરફાર થવાનો નથી.
જો કે મુદ્દો ભાષા વ્યાપક બોલાય છે કે નહીં તેનો નથી પણ વિદ્યાર્થીઓનું હિત શેમાં છે તેનો છે. દરેક વિદ્યાર્થીએ માતૃભાષા ફરજિયાત શીખવી જોઈએ તેમાં બેમત નથી કેમ કે પોતપોતાની માતૃભાષાનું જતન કરવું એ દરેકની ફરજ છે પણ બાકીની બે ભાષા એવી હોવી જોઈએ કે જે ભવિષ્યમાં કામ આવી શકે અને વિદ્યાર્થીના વિકાસમાં ઉપયોગી થાય. ત્રીજી ભાષા તરીકે પણ કોઈ વિદેશી ભાષા શીખવાય તો એ ફાયદાકારક સાબિત થાય કેમ કે વિશ્વ હવે આર્થિક બાબતો પર ચાલે છે. આર્થિક બાબતોમાં કોમ્યુનિકેશન મહત્ત્વનું છે તેથી ચાઈનીઝ કે જાપાનીઝ જેવી ભાષાઓને વધારે મહત્ત્વ મળવું જોઈએ.
કમનસીબી એ છે કે, નવી શિક્ષણ નીતિમાં આ શક્યતાનો જ નાશ કરી દેવાયો છે કેમ કે તેમાં એવું પણ કહેવાયું છે કે, વિદ્યાર્થીઓને શીખવવામાં આવતી ત્રણ ભાષાઓમાંથી બે ભારતીય ભાષાઓ હોવી જોઈએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કોઈપણ ભાષા ફરજિયાત બનાવવામાં આવી નથી અને શિક્ષણ માતૃભાષાના માધ્યમથી આપવું જોઈએ તેના પર ભાર મુકાયો છે પણ આડકતરી રીતે ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાં હિન્દી ફરજિયાત કરવી પડે એ સ્થિતિ પણ આ નિયમના કારણે પેદા કરી દેવાઈ છે.