ભારે કરી, બિહારમાં 132 ફૂટનો મોબાઇલ ટાવર ચોર ઉઠાવી ગયા

બિહારના બક્સર જિલ્લામાંથી ચોરીની એવી ઘટના સામે આવી છે, જેને સાંભળીને પોલીસ અધિકારીઓથી લઈને સામાન્ય લોકો સુધી દરેક આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. સામાન્ય રીતે ચોરીના…

બિહારના બક્સર જિલ્લામાંથી ચોરીની એવી ઘટના સામે આવી છે, જેને સાંભળીને પોલીસ અધિકારીઓથી લઈને સામાન્ય લોકો સુધી દરેક આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. સામાન્ય રીતે ચોરીના બનાવોમાં ઘર, દુકાન, વાહન અથવા કિંમતી સામાનને નિશાન બનાવવામાં આવે છે, પરંતુ આ વખતે ચોરોએ જે કર્યું છે તે અસામાન્ય અને ચોંકાવનારું છે. બક્સર જિલ્લાના ડુમરાંવ વિસ્તારમાં આવેલો આશરે 132 ફૂટ ઊંચો મોબાઇલ ટાવર જ ગાયબ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

માહિતી મુજબ, આ ટાવર ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલી GTL કંપનીનો હતો અને લાંબા સમયથી ઉપયોગમાં નહોતો. જોકે તાજેતરમાં કંપનીના અધિકારીઓ જ્યારે સ્થળની તપાસ અને સંભવિત રિપેરિંગ માટે પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે જ્યાં ટાવર ઊભો હતો ત્યાં હવે માત્ર ખાલી જગ્યા જ બાકી રહી છે. ટાવર ઉપરાંત તેની સાથે જોડાયેલા કેબલ, એન્ટેના, ઇલેક્ટ્રિકલ ઉપકરણો અને જનરેટર સેટ પણ ગાયબ હતા.

આ ઘટનાનું સૌથી આશ્ચર્યજનક પાસું એ છે કે 132 ફૂટ જેટલું ઊંચું માળખું એક જ દિવસમાં ગાયબ થઈ શકે તેમ નથી. પ્રાથમિક અંદાજ મુજબ ચોરોએ ટાવરને તબક્કાવાર ખોલીને તેના ભાગો અલગ કર્યા અને પછી તેને સ્ક્રેપ અથવા અન્ય માધ્યમથી ખસેડી દીધો હોઈ શકે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે આ કામગીરી માટે દિવસો નહીં તો અઠવાડિયાઓ લાગ્યા હશે. વિસ્તારના રહેવાસીઓ પણ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કે આટલી મોટી કામગીરી દરમિયાન કોઈને શંકા કેમ ન આવી.

ઘણી વખત આવી ચોરીઓમાં આરોપીઓ પોતાને અધિકૃત કર્મચારી અથવા કોન્ટ્રાક્ટર તરીકે રજૂ કરીને કામ કરે છે, જેના કારણે આસપાસના લોકો તેમને સત્તાવાર કામગીરી માની લેતા હોય છે. જોકે આ કેસમાં હજુ સુધી પોલીસ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

સ્થાનિક સૂત્રો અનુસાર, ટાવર જે વિસ્તારમાં સ્થિત હતો ત્યાંથી પોલીસની હાજરી પણ ખૂબ દૂર નહોતી. આ કારણે સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. સંંબંધીત મોબાઇલ ટાવર લાંબા સમયથી બંધ હતા. ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા સહિત વિવિધ મંચો પર તેની ચર્ચા થઈ રહી છે. ઘણા લોકો આ બનાવને બિહારની સૌથી અનોખી ચોરીઓમાંથી એક ગણાવી રહ્યા છે. લોકોમાં એ પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે કે જો 132 ફૂટ ઊંચો ટાવર જ ગાયબ થઈ શકે તો અન્ય જાહેર સંપત્તિઓ કેટલી સુરક્ષિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *