ગુજરાત

હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત્; સિનિયર વકીલ સહિત ચારના હાર્ટફેઇલ

Published

on

બાલમુકુંદ પ્લોટમાં વકીલ, રૈયાધારમાં યુવાન અને સદ્ભાવના વૃદ્ધાશ્રમના વૃદ્ધ અને શાપરમાં આધેડનું હૃદયરોગના હુમલાથી મોત

રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટના જાણીતા ક્લેઇમ પ્રેક્ટિસનલ એડવોકેટ એન.આર.શાહ સહિત ચાર વ્યક્તિના હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
શહેરમાં કાલાવડ રોડ ઉપર નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ પાસે બાલમુકુંદ પ્લોટમાં રહેતા અને છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા એડવોકેટ નવીનભાઈ રતિલાલભાઈ શાહનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હતું. સિનિયર ધરાશાસ્ત્રીના મોતથી પરિવાર અને વકીલ આલમમાં શોકની લાગણી પ્રસરી છે.

નવીનભાઈ શાહે રાજકોટ સેશન્સ કોર્ટમાં ગઈ કાલે ક્લેઇમ કેસની સુનાવણી પણ કરી હતી. રાજકોટના સિનિયર એડવોકેટ, કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર વિનુભાઈ ગોસલીયાના આસિસ્ટન્ટ તરીકે 1981 ની વકીલાતના વ્યવસાયનો પ્રારંભ કર્યો હતો. આજે વહેલી સવારે હૃદય રોગનો હુમલો પ્રાણ ઘાતક નીવડતા અરિહંત શરણ પામ્યા હતા. એડવોકેટ નવીનભાઈ શાહ એન.આર.શાહના નામથી વકીલ આલમમા જાણીતા હતા. રાજકોટ મોટર એકસીડન્ટ એસોસિએશનની વર્ષ 2004 માં સ્થાપના થયેલી જેના પ્રથમ પ્રમુખ તરીકે તેઓની નિમણૂક કરવામાં આવી હતી. એડવોકેટ નવીનભાઈ શાહ 43 વર્ષ ની કારકિર્દીમાં તેઓએ અકસ્માતમા ઈજાગ્રસ્તો અને મૃત્યુ પામનાર પરિવારોને લાખો અને કરોડોનું વળતર અપાવી ન્યાય અપાવ્યો હતો. તેઓના પુત્ર હેમલભાઈ શાહ હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે. આજે સવારે તેમના નિવાસ સ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રામાં સિનિયર જુનિયર વકીલો,પરિવારજનો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જોડાયા હતા અને તેમને શ્રદ્ધા સુમન પાઠવી હતી. નવીનભાઈ શાહના અવસાનથી ધર્મપત્ની ઇલાબેન, પુત્રી રિશીતાબેન અને પુત્ર હેમલભાઈ શાહને વિલાપ કરતા છોડી ગયા હતા.


બીજા બનાવવામાં રૈયાધાર વિસ્તારમાં આવેલા સ્લમ ક્વાર્ટરમાં રહેતા પરાગ વિનુભાઈ કતીરા નામનો 43 વર્ષનો યુવાન રાત્રીના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન બે ભાઈમાં મોટો હતો અને તેને સંતાનમાં એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ગોંડલ રોડ ઉપર આવેલા સદભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા કેશવજીભાઈ દામજીભાઈ ઠક્કર નામના 86 વર્ષના વૃદ્ધ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં વૃદ્ધાશ્રમમાં હતા ત્યારે તેમને હદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યું હતું.


ચોથા બનાવમાં મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ શાપર વેરાવળમાં રહી મજૂરી કામ કરતા સીતારામભાઈ રામકિશોરભાઈ આદિવાસી નામના 48 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક આધેડ ત્રણ ભાઈ એક બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version