જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા ભારતની આગામી વનડે સિરીઝમાં રમતા જોવા મળશે નહીં. આ સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂૂ થઈ રહી છે. ભારત પ્રવાસે આવી રહેલ ન્યૂઝીલેન્ડની ટીમ 3 મેચની વનડે સિરીઝ બાદ 5 મેચની T20 સિરીઝ રમશે, જે T20 વર્લ્ડ કપ 2026ની તૈયારીઓ માટે મહત્વની માનવામાં આવી રહી છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની વનડે સિરીઝમાં આરામ આપવામાં આવશે.
આ બન્ને ખેલાડીઓ ત્યારબાદ રમાનારી 5 મેચની T20 સિરીઝમાં વાપસી કરશે, જેના માટે BCCI એ ટીમની જાહેરાત કરી દીધી છે. જસપ્રીત બુમરાહે 2023 વર્લ્ડ કપ બાદ ભારત માટે એક પણ વનડે મેચ રમી નથી. રિપોર્ટ અનુસાર, આ ફાસ્ટ બોલરના વર્કલોડ પર સતત નજર રાખવામાં આવી રહી છે. BCCI નું આગામી મુખ્ય લક્ષ્ય T20 વર્લ્ડ કપ છે, જે 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન ભારત અને શ્રીલંકામાં યોજાશે.
બુમરાહને વનડે સિરીઝમાંથી આરામ આપવાનો અર્થ એ છે કે બોર્ડ નથી ઈચ્છતું કે બિનજરૂૂરી મેચો રમાડીને બુમરાહ પર બોજ વધારવામાં આવે. ખાસ કરીને ત્યારે જ્યારે 5 મેચની T20 સિરીઝના 10 દિવસની અંદર જ T20 વર્લ્ડ કપ 2026 શરૂૂ થવાનો હોય. હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર તરીકે છેલ્લા કેટલાક સમયથી ટીમનો મુખ્ય ખેલાડી રહ્યો છે, જે બેટ અને બોલ બન્નેથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. હાર્દિક પાવરપ્લે અને ડેથ ઓવરોમાં બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. જો કે, ચેમ્પિયન્સ ટ્રોફી પછી તેણે કોઈ વનડે રમી નથી અને તેનું બહાર રહેવું ફિટનેસના કારણોસર હતું. આ સંજોગોમાં તેને પણ ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં આરામ આપવામાં આવી શકે છે.
