બળાત્કાર કેસમાં 20 વર્ષની જેલસજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને ફરી એકવાર પેરોલ મળી છે. મંગળવારે સવારે જ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. જેલ પ્રશાસનના અધિકારીઓના જણાવ્યા અનુસાર પેરોલના 30 દિવસમાંથી રામ રહીમ પહેલા 10 દિવસ સિરસામાં આવેલા તેના આશ્રમમાં રહેશે જ્યારે બાકીના 20 દિવસ બાગપતમાં રહેશે. મંગળવારે સવારે લગભગ 5.30 વાગ્યે તેને રોહતકની સુનારિયા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. જે બાદ તેઓ 7.30 વાગ્યે સિરસામાં તેમના આશ્રમ પહોંચ્યા હતા. તેની સાથે હનીપ્રીત પણ હતી.
જેલમાંથી મળેલી પેરોલ અંગે રામ રહીમનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ જિતેન્દ્ર ખુરાનાએ કહ્યું છે કે આ પેરોલ કાયદા હેઠળ આપવામાં આવી છે. કાયદા અનુસાર રામ રહીમને 70 દિવસ માટે પેરોલ આપી શકાય છે. વકીલે એમ પણ કહ્યું છે કે આ પેરોલને કોઈ રાજકીય ઘટના કે ચૂંટણી સાથે જોડવી જોઈએ નહીં.