સોનું 91,200 અને ચાંદી 1,03,000ની રેકોર્ડ સપાટીએ

આંતરરાષ્ટ્રીય ટેરિફ વોર વચ્ચે લગ્નસરાની સિઝન ટાણે જ કિંમતી ધાતુઓ સળગી, મધ્યમ વર્ગની કમર તૂટી: બે દિવસમાં સોનામાં રૂા.2000નો ઉછાળો આંતરરાષ્ટ્રીય બજારમાં ટ્રમ્પના ટેરિફ વોરને…

આંતરરાષ્ટ્રીય ટેરિફ વોર વચ્ચે લગ્નસરાની સિઝન ટાણે જ કિંમતી ધાતુઓ સળગી, મધ્યમ વર્ગની કમર તૂટી: બે દિવસમાં સોનામાં રૂા.2000નો ઉછાળો

આંતરરાષ્ટ્રીય બજારમાં ટ્રમ્પના ટેરિફ વોરને પગલે સોના-ચાંદીમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ગઈકાલે ભારે ઉછાળા બાદ આજે પણ સોના-ચાંદીમાં ઉછાળો ચાલુ રહેતા નવો રેકોર્ડ સર્જાયો છે. રાજકોટમાં હાજરમાં 24 કેરેટ સોનાનો દશ ગ્રામનો ભાવ રૂા. 91,240 અને 1 કિલો ચાંદીનો ભાવ રૂા. 1,03,000ના નવા રેકોર્ડ પર પહોંચ્યો છે. લગ્નસરાની સિઝન વખતે જ નવો રેકોર્ડ સર્જાતા મધ્યમવર્ગની પરિસ્થિતિ વધુકપરી બની છે.

આજે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. સોનાની કિંમત આજે નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે, જ્યારે ચાંદીનો ભાવ પણ ₹1 લાખ પ્રતિ કિલોને પાર કરી ગયો છે. આ તેજી પાછળ વૈશ્વિક પરિબળો અને રોકાણકારોની વધતી માંગ મુખ્ય કારણો હોવાનું માનવામાં આવે છે.
રાજકોટ ગોલ્ડ ડીલર એસો.ના પ્રમુખ મયુર આરદેસણાએ જણાવ્યા અનુસાર, રાજકોટના બુલિયન માર્કેટમાં 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ રૂા. 400ના વધારા સાથે રૂા. 91,240 પ્રતિ 10 ગ્રામની નવી રેકોર્ડ સપાટીએ પહોંચી ગયો હતો. આ સતત પાંચમો દિવસ છે જ્યારે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. ગયા અઠવાડિયે ગુરુવારે આ જ સોનું ₹89,450 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

આ ઉપરાંત, ગઈકાલે 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું પણ ₹1300ના ઉછાળા સાથે ₹90,350 પ્રતિ 10 ગ્રામની જીવનકાળની ટોચે પહોંચ્યું છે. ગુરુવારે તે ₹89,050 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

નિષ્ણાંતો અનુસાર, કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદી, વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર અને આર્થિક નીતિઓને કારણે સલામત રોકાણ તરીકે સોનાની માંગમાં વધારો થયો છે, જેના કારણે સોનાના ભાવમાં આ રેકોર્ડબ્રેક તેજી જોવા મળી રહી છે.

સોનાની સાથે સાથે આજે ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો. રાજકોટ બુલિયન માર્કેટમાં ચાંદીનો ભાવ પણ રૂા. 600ના વધારા સાથે રૂા.1,03,000 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો હતો. ગુરુવારે ચાંદી ₹1,01,200 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. ચાંદીના ભાવમાં આ વધારો ઔદ્યોગિક માંગ અને સોનામાં આવેલી તેજીને કારણે જોવા મળી રહ્યો છે.

શેરબજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સમાં 832 અંકનો ઉછાળો
ગયા અઠવાડિયે હોળીની રજા બાદ ભારતીય શેરબજારમાં સતત તેજી જોવા મળી રહી છે ગઈકાલે 341 પોઈન્ટ વધીને 74 હજારની સપાટી સેન્સેક્સે ક્રોસ કરી હતી. ગઈકાલે 74,169ના લેવલ પર બંધ થયેલ સેન્સેક્સ આજે 439 પોઈન્ટ વધીને 74,608 પર ખુલ્યો હતો. શરૂઆતના શેસનમાં જ સેન્સેક્સમાં ભારે લેવાલી નિકળતા સવારે 10:20 મીનીટે સેન્સેક્સે 832 પોઈન્ટનો ઉછાળો નોંધાવતા 75,001 પર ટ્રેડ થયો હતો. નિફ્ટીમાં પણ આજે ફરી 22,700ની સપાટી વટાવી હતી. ગઈકાલે 22,508ના લેવલ પર બંધ થયેલ નિફ્ટી આજે 154 પોઈન્ટ વધીને 22,662 પર ખુલી હતી. પહેલા શેસનમાં ભારે તેજીથી નિફ્ટી 244 પોઈન્ટ વધીને 22,752 પર ટ્રેડ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *