ગુજરાત
જી.જી. હોસ્પિટલમાં પોલીસનુ સરપ્રાઈઝ ચેકિંગ; સુરક્ષા વધારવાનો પ્રયાસ
જામનગર શહેરમાં વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓને નાથવા અને નાગરિકોની સુરક્ષા વધારવાના ઉદ્દેશ્ય સાથે ગઈકાલે રાત્રે પોલીસે આકસ્મિક કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ અભિયાનમાં એલસીબી, એસઓજી સહિત શહેરના તમામ પોલીસ ડિવિઝનની ટુકડીઓ જોડાઈ હતી.
આ અભિયાન દરમિયાન પોલીસે શહેરમા સરકારી જી.જી. હોસ્પિટલ સહીત વિવિધ વિસ્તારોમા અને જાહેર સ્થળો પર તપાસ કરી હતી.ખાસ કરીને, જી.જી. હોસ્પિટલમાં આવારા તત્વોની અવારનવાર હાજરીને ધ્યાનમાં રાખીને ત્યાં અલગ અલગ વિભાગોની વધુ કડક તપાસ કરવામાં આવી હતી.
પોલીસની આ કાર્યવાહીથી શહેરમાં અસલામતીની લાગણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને લોકોમાં સુરક્ષાની ભાવના વધી છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના પરિવારજનોને પણ આ કાર્યવાહીથી રાહત મળી છે.
ડિવાયએસપી જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, શહેરમાં અસામાજિક તત્વોની ગતિવિધિઓને રોકવા માટે આ પ્રકારના ચેકીંગ અભિયાન સમયાંતરે ચાલુ રહેશે.
અમે શહેરને અસામાજિક તત્વોથી મુક્ત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. તેમણે નાગરિકોને પણ આવા કિસ્સાઓમાં પોલીસને સહકાર આપવા અપીલ કરી હતી.