ક્રાઇમ
ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ
સામાકાંઠે આર્યનગરનો બનાવ: સાસુ-વહુ વચ્ચે અણબનાવમાં રિસામણે બેઠેલી પત્ની સાથે ફોનમાં ચડભડ થયા બાદ પત્ની ઘરે જોવા જતા સાસુ-સસરા અને પતિ ઝેર પીધેલી હાલતમાં મળ્યા
શહેરના સામાકાંઠે સંતકબીર રોડ પર આવેલા આર્યનગરમાં વૃધ્ધ દંપતી અને પુત્રએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ત્રણેયને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. સાસુ-વહુ વચ્ચે ચાલતા ઝગડાને કારણે પત્ની રિસામણે ચાલી ગઇ હોય પતીએ સવારે ફોન કરતા પત્ની સાથે ચડભડ થઇ હતી. બાદમાં પત્ની ઘરે જોવા આવતા સાસુ-સસરા અને પતિએ ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. ગૃહકલેશમાં વૃધ્ધ દંપતિ અને પુત્રએ આપઘાતનો પ્રયાસ કર્યાનો જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ સંતકબીર રોડ પર આર્યનગર શેરી નં.20માં રહેતા ભરતભાઇ શાંતીલાલ કોટેચા (ઉ.વ.70), તેમના પત્ની સરલાબેન ભરતભાઇ કોટેચા (ઉ.વ.70), પુત્ર ગૌરવ ભરતભાઇ કોટેચા (ઉ.વ.35)એ આજે બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા ત્રણેયને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. સીવીલ ચોકીના સ્ટાફે પ્રાથમીક નોંધ કરી બીડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલે દોડ જઈ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર ગૌરવ એક ભાઇ બે બહેનમાં નાનો અને એલઇડીના શોરૂમમાં નોકરી કરે છે. તેની પત્ની રાધીકા અને માતા સરલાબેન વચ્ચે અવાર નવાર ઝઘડો થતો હોય જેથી રાધીકા આઠેક દિવસ પહેલા રાજકોટમાં જ રહેતા તેના માવતરે રિસામણે ચાલી ગઇ હતી. દરમિયાન આજે સવારે ગૌરવે રાધીકાને ફોન કરી આપણે અલગ રહેવા જતા રહીયે તેમ વાત કરતો હતો દરમિયાન ફોનમાં દંપતી વચ્ચે ચડભડ થતા ગૌરવે ‘હું દવા પી જાઉં છું’ તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. જેથી રાધીકાને શંકા જતા તેણી આર્યનગરમાં ઘરે તપાસ કરવા માટે દોડી આવી હતી. દરમિયાન ઘરમાં સાસુ-સસરા અને પતિ ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી ત્રણેયને સારવાર માટે સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સાસુ-વહુ વચ્ચે ચાલતા ઝઘડાના કારણે રાધીકાએ પણ બે મહીના પહેલા ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.