‘તું અમારી ગાડીના વીડિયો કેમ ઉતારે છે’ કહી વેપારી ઉપર ટોળકીનો હુમલો, ખૂનની ધમકી

શહેરની ભાગોળે માધાપર-બેડી બાયપાસ હાઇવે પરથી એઇમ્સ હોસ્પિટલ જતા રસ્તા પર ઓવરલોડ ભરેલા ડમ્પરનો વીડિયો ઉતારતા ત્રણ કારમાં ધસી આવેલા શખ્સોએ વેપારીને ‘તુ અમારી ગાડીના…

શહેરની ભાગોળે માધાપર-બેડી બાયપાસ હાઇવે પરથી એઇમ્સ હોસ્પિટલ જતા રસ્તા પર ઓવરલોડ ભરેલા ડમ્પરનો વીડિયો ઉતારતા ત્રણ કારમાં ધસી આવેલા શખ્સોએ વેપારીને ‘તુ અમારી ગાડીના વીડિયો કેમ ઉતારે છે’ તેમ કહી ગાડીના જેક અને કાચની બોટલ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી પોલીસે આરોપીઓ સામે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ રેલનગર વિસ્તારમાં આવેલા અમૃત હેરીટેજ વિલામાં રહેતા અને ખેતી તેમજ બિલ્ડિંગ મટીરીયલ સપ્લાયનો વ્યવસાય કરતા વિજયભાઈ નવઘણભાઈ કોઢીયાળ (ઉં.વ.41)એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે રાત્રે આશરે 11 વાગ્યાની આસપાસ પોતાની થાર ગાડી લઈને પરાપીપળીયા ગામે આવેલા પોતાના તબેલે જતા હતા. દરમિયાન એઇમ્સ હોસ્પિટલ મેઇન રોડ પર તેમની આગળ રેતી ભરેલા ત્રણ ઓવરલોડ ડમ્પર જઈ રહ્યા હતા. તેમાંથી એક ડમ્પરના ચાલકે વિજયભાઈની થાર ગાડી પર ડમ્પર દબાવતા અકસ્માત સર્જાતા રહી ગયો હતો. આથી વિજયભાઈએ મુરલીધર સર્કલથી થોડે આગળ ત્રણેય ઓવરલોડ ડમ્પરોને રોક્યા હતા અને પોતાના મોબાઈલ ફોનમાં તેનો વીડિયો ઉતારી 112 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. વિજયભાઈ વીડિયો ઉતારી રહ્યા હતા તે જ સમયે ત્યાં ક્રેટા, સ્કોર્પીયો અને સ્વીફ્ટ જેવી ત્રણ ફોરવ્હીલ કારમાં 15 થી 16 જેટલા શખ્સોનું ટોળું ધસી આવ્યું હતું. જેમાં માધવ મચ્છાભાઇ ઢુંગા, અજય ઢુંગા, મેહુલભાઇ ભરવાડ, રેવાભાઈ ભરવાડ અને સુરાભાઈ ભરવાડ સહિતના આરોપીઓએ વિજયભાઈને ‘તુ અમારી ગાડીના વીડિયો કેમ ઉતારે છે’ તેમ કહી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ દરમિયાન અજય નામના શખ્સે વિજયભાઈનો મોબાઈલ ફોન બળજબરીપૂર્વક ઝૂંટવી લીધો હતો અને હાથમાં રહેલો ગાડીનો લોખંડનો જેક વિજયભાઈના માથામાં ફટકારી દીધો હતો. જ્યારે માધવભાઈએ સોડાની ખાલી કાંચની બોટલ મારી હતી અને રેવાભાઈએ હાથમાં પહેરેલ કડા વડે પીઠના ભાગે આડેધડ માર માર્યો હતો. ટોળાના અન્ય શખ્સોએ પણ એકસંપ થઈ વિજયભાઈને ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. આ હુમલાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને વિજયભાઈના નાના ભાઈ હરેશભાઈ પણ ત્યાં પહોંચી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં વિજયભાઈને 108 મારફતે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ક્રાઇસ્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે આરોપીઓ સામે રાયોટીંગ, ધમકી, હુમલો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *