ફેમસ એક્ટર પ્રદીપ સિંહ રાવતનું નિધન થઈ ગયું છે. તેઓ 74 વર્ષના હતા. તેમણે તેલુગુ, હિન્દી અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. રાવતે મહાભારત સિરીયલમાં અશ્વત્થામાની ભૂમિકા નિભાવી હતી. તેમણે સરફરોશ, લગાન અને ગજની જેવી ફિલ્મોમાં વિલનની ભૂમિકા નિભાવી હતી. પ્રદીપ રાવત નેપાળી સિનેમાનો પણ ભાગ રહી ચૂક્યા છે.
મધ્ય પ્રદેશના જબલપુરમાં જન્મેલા પ્રદીપ રાવતે અભિનય કરિયરની શરૂૂઆત 1980ના દાયકામાં કરી હતી. તેમને અસલી ઓળખ અને ઘરે ઘરે લોકપ્રિયતા બીઆર ચોપડાની પૌરાણિક સીરિયલ મહાભારતમાંથી મળી. આ શોમાં તેણે ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાના અમર અને પ્રભાવશાળી પાત્રને નિભાવ્યું હતું. તેમના દમદાર અવાજ અને પર્સનાલિટીએ દર્શકો પર એવી છાપ છોડી કે તેઓ રાતોરાત ઇન્ડસ્ટ્રીના મોટા ચહેરામાં સામેલ થઈ ગયા.
પ્રદીપ રાવત એ ગણ્યા ગાંઠ્યા અભિનેતામાંથી એક હતા, જેમણે હિન્દી સિનેમાની સાથે સાથે સાઉથ ઇન્ડસ્ટ્રી (તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ)માં પણ ખલનાયક તરીકે રાજ કર્યું. આમિર ખાનની ફિલ્મ સરફરોશમાં તેમણે સુલ્તાનનો રોલ નિભાવી હીરોના પણ છક્કા છોડાવી દીધા હતા. તો વળી આશુતોષ ગોવારિકરની લગાનમાં તેમના દાવાસિંહ સોઢીના પાત્રને આજે પણ ચાહકો ભૂલી શક્યા નથી.
ફેમસ ફિલ્મ ડાયરેક્ટર એસએસ રાજામૌલીની તેલુગુ ફિલ્મ સઈથી તેમણે સાઉથમાં એન્ટ્રી કરી અને આ ફિલ્મ માટે તેમને સર્વશ્રેષ્ઠ ખલનાયકનો ફિલ્મફેર અને નંદી એવોર્ડ પણ મળ્યો હતો. એઆર મરુગાદૌસની તમિલ ગજનીમાં તેમણે ડબલ રોલ નિભાવ્યો હતો. બાદમાં તેમણે 2008માં આમિર ખાનવાળી હિન્દી ગજનીમાં મુખ્ય વિલન બનીને સૌને ડરાવી દીધા હતા.
