રાતવાસો પણ વાહનોમાં જ કરવાની નોબત, અધવચ્ચે ઇંધણ ખલાસ થઇ જતા પણ અનેક વાહનો ફસાયા છે
કાચી સામગ્રી ભરેલા વાહનો પણ ટ્રાફિકજામમાં ફસાયા, પેટ્રોલપંપો ઉપર પેટ્રોલ-ડીઝલના ટેન્કરો પહોંચી શકતા નથી
હોટેલો, ખાણી-પીણીની દુકાનો અને રેસ્ટોરાંમાં પણ આવશ્યક ચીજોની તંગી, માલવાહક વાહનોને પ્રવેશબંધીથી ખાદ્યસંકટ ઘેરું બન્યું
પ્રયાગરાજમાં મહાકુંભના અવસરે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. દેશના ખૂણે ખૂણેથી લોકો મહાકુંભમાં પહોંચી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ હવે તેની અસર દેખાવા લાગી છે. શહેરમાં હવે આવશ્યક ચીજવસ્તુઓની અછત છે. પેટ્રોલ-ડીઝલથી લઈને ખાદ્ય પદાર્થો અને અન્ય ખાદ્ય પદાર્થોનો પુરવઠો મળી રહ્યો નથી.આવી સ્થિતિમાં, આગામી દિવસોમાં અન્ય આવશ્યક ચીજવસ્તુઓની સાથે ખાદ્ય ચીજવસ્તુઓની પણ અછત સર્જાઈ શકે છે.
પ્રયાગરાજમાં ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના કારણે જિલ્લાની સરહદ પર ભારે માલવાહક વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. રસ્તામાં ઘણા ટેન્કર ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે. જેના કારણે આ વાહનો પણ શહેરમાં માલ પહોંચાડી શકતા નથી. પરિસ્થિતિ એવી છે કે હવે શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછત છે. ઘણા પેટ્રોલ પંપ ખાલી થઈ ગયા છે અને લોકોને પેટ્રોલ પંપ પરથી ખાલી હાથે પાછા ફરવું પડી રહ્યું છે.
સ્થાનિક લોકોની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે તેમના વાહનો ઠપ્પ થઈ ગયા છે જેના કારણે તેમને મુસાફરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પેટ્રોલ પંપ માલિકોનું કહેવું છે કે ટેન્કર અહીં પહોંચી શકતા નથી કારણ કે તેઓ રસ્તામાં ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે. સમસ્યા ફક્ત પેટ્રોલ અને ડીઝલ પૂરતી મર્યાદિત નથી, હવે કાચા માલની પણ અછત છે.
પ્રયાગરાજ સ્થિત નૈની ઔદ્યોગિક વિસ્તારમાં માલ વહન કરતા વાહનોની અછતને કારણે, કાચો માલ ઉદ્યોગો સુધી પહોંચી રહ્યો નથી, જેના કારણે ઉદ્યોગસાહસિકોમાં નિરાશા જોવા મળી રહી છે. આ સંદર્ભમાં, તેઓએ ટ્રાફિક પોલીસ અને તમામ વરિષ્ઠ અધિકારીઓને પણ અપીલ કરી છે કે તેઓ કોઈક રીતે આ સમસ્યાથી છુટકારો મેળવે જેથી તેમના માલવાહક વાહનો ઉદ્યોગો સુધી પહોંચી શકે અને તેમને કાચો માલ મળી શકે.
મહાકુંભમાં વધતી ભીડની સાથે, ખાદ્ય સંકટ પણ ઘેરું બની રહ્યું છે. શ્રદ્ધાળુઓના આગમનને કારણે હોટલ અને ખાણીપીણીની દુકાનોમાં માલની માંગમાં વધારો થયો છે, પરંતુ આ માલના પુરવઠાના અભાવે હવે આવશ્યક વસ્તુઓ ઉપલબ્ધ નથી. માલવાહક વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ શહેરમાં ખાદ્ય સંકટને વધુ ઘેરો બનાવી શકે છે. વેપારીઓ કહે છે કે લોટ, ચોખા અને ખાંડથી ભરેલા તેમના ટ્રકો ત્યાં ઉભા છે. જેના કારણે શહેરના રહેવાસીઓને આ વસ્તુઓ ઉપલબ્ધ નથી..
મહાકુંભમાં ગયેલા ગુજરાતીઓનુ કેહવુ છે કે, શનિ-રવિની રજામાં મોટી સંખ્યામાં ભાવીકો સ્નાન કરવા ઉમટી પડતા રસ્તાઓ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. એક તરફ લોકોનો પ્રવાહ પ્રયાગરાજ તરફ ફંટાયો છે. બીજી તરફ વી.આઇ.પી.ની મુવમેન્ટના કારણે પ્રયાગરાજમાં એન્ટ્રી નિયંત્રિત કરી દેવામાં આવતા પ્રયાગરાજની ચારે બાજુના રસ્તા જામ થઇ ગયા છે અને લોકો વાહનોમાં જ રાત વિતાવવા મજબુર બન્યા છે.
ભાવિકોનુ કહેવુ છે કે, વાહનોમાં ફસાયેલા લોકોને ખોરાક-પાણીની ભારે અછત વર્તાઇ રહી છે. આ ઉપરાંત ઇંધણ ખાલી થઇ જવાથી ફસાયેલા વાહનો ટ્રાફિક જામ કરી રહ્યા છે.
બાઇક અને હોડીના ભાડામાં ઉઘાડી લૂંટ
ગુજરાતની મહાકુંભમાં સ્નાન માટે ગયેલા શ્રદ્ધાળુઓમાં જણાવ્યુ હતુ કે, ગઇકાલે રવિવારે કુંભમાં અસાધારણ ભીડ જોવા મળી હતી. જેના કારણે બાઇક અને હોડીના ભાડામાં ઉઘાડી લૂંટ જોવા મળી હતી. અખાડાથી સંગમ સુધી બાઇક પાછળ બેસીને જવાનુ એક કિ.મી.નુ ભાડુ રૂા.300 લેવામાં આવી રહ્યુ છે. અમૂક ભાવિકો તો પાંચ-પાંચ કિ.મી દુર ઉતારામાં ઉતર્યા છે. ત્યાથી સ્નાન માટે ઘાટ સુધી પહોંચવા મોટર સાઇકલો ભાડે કરી રહ્યા છે. પરંતુ ભાડામાં ઉઘાડી લૂંટ જેવી સ્થિતી છે. આવી જ સ્થિતી બોટમાં છે. ગંગા નદીમાં ભાવિકોને સ્નાન માટે લઇ જતી બોટોમાં રિટર્ન ભાડુ ભાવિક દિઠ રૂા.100 નક્કી કરાયુ છે. પરંતુ ગઇકાલે રવિવારે રાજકોટથી કુંભમાં સ્નાન માટે પહોંચેલ સાત ભાવિકોના ગ્રૂપ પાસે બોટનું વન-વે ભાડુ રૂા.16 હજાર માંગવામાં આવ્યુ હતુ.
ખાણી-પીણીમાં ગુજરાતી સંતોના ઉતારાઓએ રંગ રાખ્યો
મહાકુંભમાં સ્નાન માટે અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતના ભાવિકો સૌથી વધુ જઇ રહ્યા છે. ત્યારે મોટાભાગના ગુજરાતી ભાવિકો ગુજરાતના સાધુ-સંતો દ્વારા પ્રયાગરાજમાં ઉભા કરવામાં આવેલા પંડાલોમાં જ ઉતારા કરી રહ્યા છે. ગુજરાતના અનેક સાધુ-સંતોએ ખાસ કરીને જૂનાગઢના સંતોએ મહાકુંભમાં ભાવિકો માટે રહેવા-જમવાની સુંદર વ્યવસ્થા કરી છે. એક-એક પંડાલમાં રોજેરોજ 20થી25 હજાર ભાવિકો ભોજન લઇ શકે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. જો કે, ટ્રાફિક જામના કારણે કાચો માલ ભરેલા વાહનો ફસાયા હોવાથી ઉતારાઓમાં પણ ખાણી-પીણીની ચિજ વસ્તુઓની તંગી સર્જાવા લાગી છે.
