શંકરસિંહ સહિત પાંચ પૂર્વ CMની કોંગ્રેસમાં ઘરવાપસી થશે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની મનસ્વી કામગીરી સામે આક્રમક વલણ અપનાવ્યું છે અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે. રાહુલ ગાંધી સતત…

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની મનસ્વી કામગીરી સામે આક્રમક વલણ અપનાવ્યું છે અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે. રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે, અને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગે દિલ્હીના રાજકીય વાતાવરણને ગરમાવી દીધું છે. આ દરમિયાન, ગુજરાતમાં પણ એક મોટા રાજકીય ફેરફારની ચર્ચાઓ ચાલી રહી છે; અહેવાલો અનુસાર, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિત પાંચ પૂર્વ મુખ્યમંત્રીઓ કોંગ્રેસમાં પરત ફરી શકે છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને અન્ય ચાર પૂર્વ મુખ્યમંત્રીઓએ કોંગ્રેસમાં પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાના અહેવાલો છે. વાઘેલાએ ખુલ્લેઆમ પક્ષમાં ફરી જોડાવાની પોતાની ઈચ્છા જાહેર કરી દીધી છે. જ્યારે આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે વાઘેલાના પરત ફરવા અંગેના અહેવાલોનો ન તો ઇનકાર કર્યો કે ન તો સમર્થન આપ્યું; તેમણે માત્ર એટલું જ કહ્યું કે જો આવું કંઈ પણ થશે, તો તેઓ સૌથી પહેલા મીડિયાને જાણ કરશે.

ચૂંટણી પંચ સામે રાહુલ ગાંધીના મક્કમ વલણે એક મજબૂત સંદેશ આપ્યો છે. જ્ઞાનેશ કુમારના રાજીનામાની તેમની સતત માંગને કારણે એવી અટકળો તેજ બની છે કે પાંચ પૂર્વ મુખ્યમંત્રીઓ કોંગ્રેસમાં પાછા ફરી શકે છે. આ નેતાઓમાં કેપ્ટન અમરિંદર સિંહ (પંજાબના પૂર્વ મુખ્યમંત્રી), ગુલામ નબી આઝાદ (જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી), શંકરસિંહ વાઘેલા (ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી), અશોક ચવ્હાણ (મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી) અને કિરણ કુમાર રેડ્ડી (આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી)નો સમાવેશ થાય છે.

શંકરસિંહ વાઘેલા સિવાય, અન્ય કોઈ પૂર્વ મુખ્યમંત્રીએ જાહેરમાં કોંગ્રેસમાં પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી નથી. રાજકીય વિશ્ર્લેષકોના મતે, જો આ પાંચમાંથી કોઈ પણ પૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસમાં જોડાય છે, તો સમગ્ર રાજકીય પરિસ્થિતિ બદલાઈ જશે. આમાંના મોટા ભાગના નેતાઓ મુશ્કેલ સમયમાં પક્ષ છોડીને ગયા હતા. હવે પ્રશ્ન એ થાય છે કે, રાહુલ ગાંધી આ પાંચ પૂર્વ મુખ્ય મંત્રીઓમાંથી કોને પક્ષમાં પાછા ફરવાની તક આપશે? અશોક ચવ્હાણ સિવાય, બાકીના ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ હાલમાં કોઈ મહત્વના રાજકીય હોદ્દા પર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *