પંજાબના રાજપુરા સ્ટેશન નજીકથી પસાર થઈ રહેલી 02546 કરમભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલતી ટ્રેનમાં આગની લપટો સાથે કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊંચે સુધી દેખાવા લાગતા મુસાફરોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. પ્રાથમિક અહેવાલો મુજબ ટ્રેનના લગભગ 4 કોચ આગની લપેટમાં આવી ગયા હતા, જેના કારણે અનેક મુસાફરો આંચકા અને ધુમાડાને કારણે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રેન પોતાની નિર્ધારિત ગતિએ રાજપુરા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે જ એક કોચમાંથી અચાનક ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જોતજોતામાં આ ધુમાડાએ ભીષણ આગનું રૂૂપ ધારણ કરી લીધું હતું અને બાજુના અન્ય કોચમાં પણ આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ટ્રેન ઊભી રહેતા જ જીવ બચાવવા માટે મુસાફરોએ સામાન છોડીને બહાર કૂદકા મારવાનું શરૂૂ કરી દીધું હતું. તહેવારો અને મુસાફરીની ભીડને કારણે સ્થળ પર ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી.ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસ, રેલવે સુરક્ષા બળ (RPF) અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ગાડીઓએ કલાકોની ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને ત્વરિત પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. રેલવે વિભાગ દ્વારા ટ્રેનના બાકીના સુરક્ષિત કોચને અલગ કરી આગળ મોકલવાની તેમજ રૂૂટ પરનો વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી શરૂૂ કરવામાં આવી છે.આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા કોચની અંદર કોઈ ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. રેલવે પ્રશાસને ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને ઈજાગ્રસ્તોની સંખ્યા તથા સંપત્તિના નુકસાન અંગેનો સત્તાવાર રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી હાથ ધરી છે.
