વડોદરામાં બહુમાળી ઇમારતમાં લાગેલી આગ, પાર્કિંગમાં પડેલા વાહનો બળી ગયા

વડોદરા શહેરના નેશનલ હાઈવે 48 પર ગતરોજ એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ હતી. LT કંપનીની બિલકુલ સામે આવેલી ’VR વન’ નામની બહુમાળી ઇમારતમાં ભીષણ…

વડોદરા શહેરના નેશનલ હાઈવે 48 પર ગતરોજ એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ હતી. LT કંપનીની બિલકુલ સામે આવેલી ’VR વન’ નામની બહુમાળી ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં પાર્કિંગમાં રહેલા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા છે. જોકે, સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર, VR વન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઇલેક્ટ્રિક મીટર બોર્ડમાં અચાનક શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું. મીટર બોર્ડમાંથી નીકળેલી આગની જ્વાળાઓએ પાર્કિંગમાં ઉભેલા વાહનોને પોતાની લપેટમાં લીધા હતા. વાહનોમાં રહેલા ટાયર અને ઓઈલને કારણે આગ વધુ પ્રચંડ બની હતી અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં દેખાવા લાગ્યા હતા.

આગ એટલી પ્રચંડ હતી કે, તેની જ્વાળાઓ ગણતરીની મિનિટોમાં પાર્કિંગથી પ્રસરીને ઇમારતના 8મા માળ સુધી પહોંચી ગઈ હતી. બિલ્ડિંગના ડક્ટ અને ઇલેક્ટ્રિક વાયરિંગ વાટે ધુમાડો ઉપરના માળ સુધી પહોંચતા ફ્લેટમાં રહેતા રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જીવ બચાવવા માટે લોકો સીડીઓ વાટે નીચે દોડી આવ્યા હતા. આ દરમિયાન રહીશોમાં ભારે નાસભાગ જોવા મળી હતી.

ઘટનાની જાણ તાત્કાલિક પાણીગેટ ફાયર સ્ટેશનને કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને જોતા ફાયર ફાઇટરોનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. કલાકોની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો હતો. ત્યારબાદ આગને ઓલવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ આગમાં પાર્કિંગમાં પાર્ક કરેલા ટુ-વ્હીલર અને અન્ય વાહનો બળીને લોખંડના માળખામાં ફેરવાઈ ગયા હતા. બિલ્ડિંગના કાચ અને બાહ્ય હિસ્સાને પણ મોટું નુકસાન થયું છે. ફાયર વિભાગના સમયસરના હસ્તક્ષેપને કારણે આગ અન્ય બ્લોક્સમાં ફેલાતા અટકી હતી, જેના કારણે મોટી હોનારત ટળી હતી. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.