ભારતીય વાયુસેનાના સ્વદેશી લડાયક વિમાન ’તેજસ’ને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં એક દુર્ઘટનામાં તેજસ વિમાન રનવે પરથી ઉતરી જતાં તેને મોટું નુકસાન થયું છે, જેને પગલે વાયુસેનાએ સાવચેતીના ભાગરૂૂપે મહત્ત્વના પગલાં લીધા છે.
ભારતીય વાયુસેનાનું એક તેજસ લડાયક વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ, એક તાલીમ ઉડાન ભરીને પરત ફરી રહેલું આ વિમાન શંકાસ્પદ બ્રેક ફેલ થવાને કારણે રનવે પરથી આગળ નીકળી ગયું હતું. આ ઘટનામાં વિમાનના માળખાને ભારે નુકસાન પહોંચ્યું છે, જોકે રાહતની વાત એ છે કે પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા હતા. આ અંગે વાયુસેના દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.આ દુર્ઘટના બાદ ભારતીય વાયુસેનાએ કડક વલણ અપનાવ્યું છે. વ્યાપક ટેકનિકલ તપાસ હાથ ધરવા માટે લગભગ 30 ’સિંગલ-સીટ’ તેજસ જેટ વિમાનોના આખા કાફલાને હાલ પૂરતું ઉડાન ભરતા અટકાવી દેવામાં આવ્યું છે.
તેજસ વિમાન સાથે જોડાયેલી આ ત્રીજી મોટી દુર્ઘટના છે. અગાઉ માર્ચ 2024માં જેસલમેર પાસે અને નવેમ્બર 2025માં દુબઈ એરશો દરમિયાન પણ તેજસ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
આ ઘટનાઓ વચ્ચે પણ ભારતીય વાયુસેના પોતાના કાફલાને આધુનિક બનાવવા માટે ઉત્સુક છે. વાયુસેનાના ડેપ્યુટી ચીફ એર માર્શલ નાગેશ કપૂરે તાજેતરમાં જણાવ્યું હતું કે, સેના નવી પેઢીના વધુ વિમાનો સામેલ કરવા ઈચ્છે છે. તેમણે રાફેલ વિમાનની પ્રશંસા કરતા તેને ’ઓપરેશન સિંદૂર’નો હીરો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે વાયુસેના વધુ મલ્ટી-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (ખછઋઅ) સામેલ કરવા પર વિચાર કરી રહી છે.
