Site icon Gujarat Mirror

મોરબીમાં પ્રેમ સંબંધના મનદુ:ખમાં વૃધ્ધ દંપતી ઉપર જીવલેણ હુમલો

મોરબીમાં સામાકાંઠે સો. ઓરડી વિસ્તારમાં પ્રેમ સંબંધના મનદુખમાં એક વૃદ્ધ દંપતી પર પાડોશીઓએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પુત્રવધૂ સાથેના અગાઉના પ્રેમ સંબંધની દાઝ રાખી આરોપી વિવેક કિશોરભાઈ ધોળકિયા અને તેના પરિવારની ચાર મહિલાઓએ ભેગા મળી વૃદ્ધાને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. આટલું જ નહીં, ઉશ્કેરાયેલા આરોપી વિવેકે લોખંડના ધારિયાના ઘા રમેશભાઈના માથા અને શરીરના ભાગે ઝીંકી ગંભીર મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. હાલ ઈજાગ્રસ્ત દંપતી મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ફરિયાદી પ્રભાબેન રમેશભાઈ સિચણાદાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આ હિંસક હુમલો તેમના પુત્ર પંકજની પત્ની પૂજા સાથે આરોપી વિવેકના અગાઉના પ્રેમ સંબંધને કારણે થયો હતો. બનાવ સમયે પ્રભાબેન પોતાના ઘરે હાજર હતા ત્યારે વિવેક ધોળકિયા ધારિયું લઈને ગાળો દેવા લાગ્યો હતો, ત્યારબાદ તેના પરિવારની અન્ય ચાર મહિલાઓ વિવેકના માતા ગુલાબબેન, વિવેકના મોટા ભાઈ ભાયાની પત્ની,વિવેકના ભાઈજી રાજુભાઈની પત્ની અને વિવેકની બહેનએ ધસી આવી વૃદ્ધાને બેફામ માર માર્યો હતો. ફરિયાદીના પતિ દુકાને હોય વિવેકે ત્યાં જઈને ધરિયા વડે ફરિયાદીના પતિને પણ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આરોપીઓએ જતી વખતે જો હવે બીજી વાર હાથમાં આવ્યા તો મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તળાવમાં ડુબી જતા બાળકનું મોત
મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા અનુભાઈ પરમારનો ચાર વર્ષીય બાળક પિયુષભાઈ કોઈ કારણોસર નાગડાવસ ગામે આવેલ તળાવમાં પડી ડૂબી જતા માસુમ બાળકનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકો પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

વીજ શોક લાગતા મોત
મોરબી તાલુકાના આમરણ ગામે વીજળીના થાંભલા ઉપર કામ કરવા ચડેલ યુવકને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડ રાજ્યના વતની હાલ મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા સુખદેવ ચુનિયાભાઈ લોહરા નામના 19 વર્ષીય યુવક વીજળીના થાંભલા ઉપર કામ કરવા ચડ્યા હોય ત્યારે કોઈ કારણોસર ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકો પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસા ધરી છે.

Exit mobile version