દુકાનો આગળ આડેધડ કરાયેલા ગેરકાયદે બાંધકામો હટાવવા ઓપરેશન
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં આજે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચામુંડા માતાજીના તળેટી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ડેપ્યુટી કલેક્ટરની આગેવાનીમાં હાથ ધરાયેલી આ કાર્યવાહી પહેલા તંત્ર દ્વારા તમામ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી અને દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવા જણાવવામાં આવ્યું હતું. જો કે, નોટિસ છતાં દબાણો દૂર ન કરાતા તંત્રએ કડક પગલાં લેવાની ફરજ પડી હતી. ચોટીલા ડુંગરની તળેટીથી રોડ સુધીની દબાણવાળી દુકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
આ કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તંત્રની આ કડક કાર્યવાહીથી અન્ય વિસ્તારોમાં પણ દબાણકર્તાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ કાર્યવાહી દ્વારા યાત્રાધામની સુંદરતા અને સુવિધામાં વધારો થશે તેવી આશા સેવાઈ રહી છે.
રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકર વગાડવાની મનાઇ
ચોટીલા સબ ડિવિઝન વિસ્તારમાં અવારનવાર પ્રસંગો દરમ્યાન ડી.જે., લાઉડ સ્પીકરો વાપરવામાં આવે છે. ઘણા બધા લાઉડ સ્પીકરો મોડી રાત્રે સુધી ચાલતા હોય છે. જે ધ્યાને આવતા ચોટીલા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કલ્પેશ શર્મા દ્વારા રાત્રી દરમિયાન તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં ચોટીલા ખાતે થાન રોડ ભગવતી સોસાયટીની સામે મોડી રાત સુધી ચાલતા લાઉડ સ્પીકરને બંદ કરાવવાની કાર્યવાહી હાથધરી હતી. ડી. જે. સાઉન્ડ વાળાને મોડી રાત્રે લાઉડ સ્પીકરથી મ્યુઝિક નહિ વગાડવા તાકીદ કરવામાં આવી હતી. મોડી રાત્રે સુધી ડી.જે., લાઉડ સ્પીકરો ચાલતા હોવાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે. તંત્ર દ્વારા રાત્રે 10 વાગ્યા પછી ડી.જે., લાઉડ સ્પીકર નહીં વગાડવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. અને ચાલુ રહે તો કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપી છે.

