સલમાનખાનની સુપરહિટ ફિલ્મ ‘રેડી’માં યાદગાર પાત્ર નિભાવ્યું હતું
હિન્દી અને મરાઠી સિનેમાના જાણીતા અભિનેત્રી પ્રવીણા દેશપાંડેએ દુનિયાને અલવિદા કહી દીધું છે. કેન્સર જેવી ગંભીર બીમારી સામે લાંબી લડાઈ લડ્યા બાદ 60 વર્ષની વયે તેમનું નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી મનોરંજન જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે. પ્રવીણા દેશપાંડેએ માત્ર ફિલ્મોમાં જ નહીં પણ ટીવી સિરિયલો અને ઓટીટી પ્લેટફોર્મ પર પણ પોતાની અભિનય ક્ષમતાનો પરિચય આપ્યો હતો. 2019માં બ્લડ કેન્સર હોવાનું નિદાન થયું હતું. ગંભીર બીમારી અને સારવાર ચાલતી હોવા છતાં તેમણે ક્યારેય હિંમત હારી નહોતી અને કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.
પ્રવીણા દેશપાંડેએ હિન્દી અને મરાઠી સિનેમામાં અનેક દાયકાઓ સુધી કામ કર્યું હતું. સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ’રેડી’ માં તેમનું પાત્ર ખૂબ જાણીતું થયું હતું. ટીવીની દુનિયામાં તેઓ ઘરે-ઘરે જાણીતો ચહેરો હતા. તેમણે ’ઘર એક મંદિર’, ’કુમકુમ- એક પ્યારા સા બંધન’, ’કરમ અપના અપના’ અને ’કુલ્ફી કુમાર બાજેવાલા’ જેવી લોકપ્રિય સિરિયલોમાં કામ કર્યું હતું. તેઓ છેલ્લે ઈમરાન હાશ્મી સ્ટારર લોકપ્રિય વેબ સિરીઝ ’તસ્કરી’ માં જોવા મળ્યા હતા.
