જામનગરમાં ગૃહકલેશથી પરિવારનો માળો પીંખાયો, પતિના હાથે પત્નીની હત્યા

જામનગર શહેરના મહાપ્રભુજીની બેઠક નજીક આવેલી રાજમોતી સોસાયટીમાં પરિણીતાની હત્યાની ચકચારભરી ઘટના સામે આવી છે. લગ્નજીવન દરમિયાન સતત ઘરકંકાસ અને ત્રાસથી કંટાળેલી પરિણીતાની તેના જ…

જામનગર શહેરના મહાપ્રભુજીની બેઠક નજીક આવેલી રાજમોતી સોસાયટીમાં પરિણીતાની હત્યાની ચકચારભરી ઘટના સામે આવી છે. લગ્નજીવન દરમિયાન સતત ઘરકંકાસ અને ત્રાસથી કંટાળેલી પરિણીતાની તેના જ પતિએ તીક્ષ્ણ હથિયાર વડે માથા અને ગળાના ભાગે જીવલેણ ઘા ઝીંકી હત્યા કરી હોવાની ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 103(1) તથા જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદી પરસોતમભાઈ શાંતીલાલ સોનગરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની બહેન વર્ષાબેનના લગ્ન તા. 13 ફેબ્રુઆરી, 2026ના રોજ મનિષભાઈ નાગજીભાઈ કછટીયા સાથે થયા હતા. લગ્ન બાદથી જ મનિષભાઈ પત્નીને પસંદ ન હોવાનું કહી નાની-નાની બાબતોમાં ઝઘડા કરી માનસિક ત્રાસ આપતા હતા.

ફરિયાદમાં જણાવ્યા મુજબ તા. 23 જુલાઈના રોજ બપોરે મનિષભાઈના મોટા ભાઈ રાજેશભાઈનો ફોન આવ્યો હતો કે વર્ષાબેન અને મનિષભાઈ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો છે અને વર્ષાબેનને ગંભીર ઈજાઓ પહોંચી છે. પરિવાર તાત્કાલિક જી.જી. હોસ્પિટલ પહોંચ્યો ત્યારે વર્ષાબેનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. મૃતદેહ પર માથા અને ગળાના ભાગે દાતરડા અથવા ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારના ગંભીર ઘા જોવા મળ્યા હતા.

ફરિયાદીનું કહેવું છે કે વર્ષાબેને અગાઉ પણ પતિ દ્વારા કરવામાં આવતા ત્રાસ અને ઘરકંકાસ અંગે પરિવારને જાણ કરી હતી. બંને પરિવારો વચ્ચે સમાધાનનો પ્રયાસ થયા બાદ વર્ષાબેનને ફરી સાસરે મોકલવામાં આવ્યા હતા, પરંતુ ફરી ઝઘડો થતાં પતિએ હત્યા કરી હોવાનું ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે મનિષભાઈ નાગજીભાઈ કછટીયા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વી. એમ. ડોડિયાને સોંપી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.