જામનગર-રાજકોટ રોડ પર ‘હિટ એન્ડ રન’ની ઘટનામાં બાઇકચાલકનું કરુણ મૃત્યુ

જામનગર-રાજકોટ હાઈવે પર હાપા હનુમાનજી મંદિર નજીક બનેલી હિટ એન્ડ રનની દુર્ઘટનામાં એક બાઇકચાલક નો ભોગ લેવાતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. મચ્છનગર અન્નપૂર્ણા મંદિર પાસે…

જામનગર-રાજકોટ હાઈવે પર હાપા હનુમાનજી મંદિર નજીક બનેલી હિટ એન્ડ રનની દુર્ઘટનામાં એક બાઇકચાલક નો ભોગ લેવાતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. મચ્છનગર અન્નપૂર્ણા મંદિર પાસે રહેતા અને ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતા શૈલેષભાઈ નરશીભાઈ ડાંગરે પોતાના નાના ભાઈ જયેશભાઈ ડાંગરના અકસ્માત મોત અંગે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ શૈલેષભાઈ કેશોદ ખાતે ટ્રકમાં મગફળીનો માલ ખાલી કરવા ગયા હતા. દરમિયાન તેમના ભાભી શાંતુબેનનો ફોન આવ્યો હતો કે તેમના ભાઈ જયેશભાઈ ડાંગર પોતાની મોટરસાઇકલ નં. જીજે-10-એએફ-5290 લઈને જતા હતા ત્યારે એક ફોર વ્હીલ કાર સાથે અકસ્માત થયો છે, અને તેમને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારબાદ સગા આશિષભાઈ વિરડાએ જાણ કરી હતી કે દ્વારકેશ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે જયેશભાઈને મૃત જાહેર કર્યા છે. અને પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલ લઈ ગઈ છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ જયેશભાઈ હાપા હનુમાનજી મંદિર પાસે દ્વારકેશ ઓટો સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે રાજકોટ તરફથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલી કાળા-ભુખરા રંગની કાર નં. જીજે-10-ડીજે-3939ના ચાલકે તેમની મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ટક્કર બાદ જયેશભાઈ રોડ પર પટકાતા પાછળથી આવી રહેલી સફેદ રંગની કાર નં. જીજે-10-ડીજે-1239નું ટાયર તેમના શરીર પર ફરી વળતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ગંભીર હાલતમાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે દ્વારકેશ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો અને અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ શૈલેષભાઈ ડાંગરે અકસ્માત સર્જી ફરાર થયેલી કાર નં. જીજે-10-ડીજે-3939ના અજાણ્યા ચાલક સામે ધોરણસર કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.