જામજોધપુર નજીક ગાંધેશ્વર રેલવે ફાટક પાસે બળદને ટ્રેક્ટરમાં ચડાવવાની કામગીરી દરમિયાન સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિના કરુણ મોત થયા છે, જ્યારે એક સાધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. સમગ્ર ઘટનામાં જામજોધપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશભાઈ (એન.બી.) ચૌહાણ સામે મૃતકના પુત્ર મહેશભાઈ નુંધાભાઈ ભોજાણીએ ફરિયાદ નોંધાવતા પોલીસે બેદરકારીથી વાહન હંકારવાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.
ફરિયાદ મુજબ તા. 23 જુલાઈની રાત્રે ગાંધેશ્વર રેલવે ફાટક નજીક એસ.ટી. બસની ટક્કરથી ઘાયલ થયેલા બળદને ટ્રેક્ટરમાં ચડાવવાની કામગીરી ચાલી રહી હતી. તે સમયે મહેશભાઈ ભોજાણીના પિતા નુંધાભાઈ નાથાભાઈ ભોજાણી, જામવાડી ગામના રોનકભાઈ અશોકભાઈ ખાંટ તેમજ સાધુ રામદાસ ઉર્ફે રમેશ મૈયારામ દેસાણી સહિતના લોકો મદદ કરી રહ્યા હતા.
આ દરમિયાન રાત્રે આશરે 8:30 વાગ્યે જામજોધપુર તરફથી આવી રહેલી ક્રેટા કાર (જીજે-11-સીએલ-2801) પુરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક રોડ પર ઉભેલા ત્રણેયને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં નુંધાભાઈ નાથાભાઈ ભોજાણી અને રોનકભાઈ અશોકભાઈ ખાંટને ગંભીર ઇજાઓ થતાં તેમને જામજોધપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. જ્યારે સાધુ રામદાસ ઉર્ફે રમેશ મૈયારામ દેસાણીને ગંભીર ઇજાઓ થતાં તેમને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ બાદ ક્રેટા કારના ચાલક પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશભાઈ ચૌહાણે ઇજાગ્રસ્ત સાધુને પોતાની કારમાં સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
જોકે સમગ્ર ઘટનામાં બેદરકારીપૂર્વક અને ગફલતભરી રીતે વાહન હંકારવાના આક્ષેપ સાથે મૃતક નુંધાભાઈ ભોજાણીના પુત્ર મહેશભાઈ નુંધાભાઈ ભોજાણી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈની પણ મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી જરૂૂરી તપાસ તથા કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
આ દુર્ઘટનાએ જામજોધપુર પંથકમાં ભારે અરેરાટી ફેલાવી છે. એક તરફ અકસ્માત બાદ ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી, તો બીજી તરફ હવે નોંધાયેલી ફરિયાદના આધારે જામજોધપુરના પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશભાઈ ચૌહાણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
